12 April, 2025 02:17 PM IST | New york | Gujarati Mid-day Correspondent
હેલિકૉપ્ટરે ઉડાન ભરી એ પહેલાં ખુશખુશાલ પરિવાર.
અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં ગુરુવારે બપોરે ટૂરિસ્ટોને લઈ જતું એક હેલિકૉપ્ટર હડસન નદીમાં તૂટી પડતાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કેટલાક લોકોએ હવામાં હેલિકૉપ્ટરના ટુકડા પડતા જોયા હતા.
સ્થાનિક સમય મુજબ બપોરે ૩ વાગ્યે આ હેલિકૉપ્ટરે ડાઉનટાઉન મૅનહટનના હેલિપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું અને એનો રૂટ સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી પરથી ન્યુ જર્સી તરફનો હતો. એમાં એક સ્પૅનિશ પરિવાર અને પાઇલટ સવાર હતા. આ હેલિકૉપ્ટરે ઉડ્ડયન કર્યાની થોડી જ સેકન્ડોમાં કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને ચક્કર લગાવતું સીધું નદીમાં પડ્યું હતું. ચાર જણનાં ઘટનાસ્થળે અને બેનાં સારવાર વખતે હૉસ્પિટલમાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારા લોકોમાં સીમેન્સ કંપનીના એક્ઝિક્યુટિવ ઑગસ્ટીન એસ્કોબાર, તેની પત્ની અને ત્રણ બાળકો તેમ જ પાઇલટનો સમાવેશ છે.