03 November, 2025 11:48 AM IST | Cambridgeshire | Gujarati Mid-day Correspondent
હંટિંગ્ડન રેલવે-સ્ટેશન પર શનિવારે રાતે ઘટનાની તપાસમાં લાગેલી પોલીસ અને ફૉરેન્સિક ટીમ
યુનાઇટેડ કિંગડમના કૅમ્બ્રિજશાયરમાં હંટિંગ્ડન જતી ટ્રેનમાં શનિવારે સાંજે પ્રવાસીઓ પર છરીથી હુમલો કરવાની એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ડૉનકાસ્ટરથી લંડન કિંગ્સ ક્રૉસ જતી ટ્રેનમાં સાંજે ૭.૪૨ વાગ્યે બની હતી. ઘાયલોની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસના સંદર્ભમાં ધરપકડ કરાયેલા બે શંકાસ્પદોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમો હંટિંગ્ડન સ્ટેશન પર પહોંચી હતી અને ટ્રેનને ઘણા સમય સુધી રોકી રાખવામાં આવી હતી. હુમલામાં કોઈનું મોત થયું નથી.
ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ ચીસો સાંભળી હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘મેં વિચાર્યું કે આ હૅલોવીન મજાક હોઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં જ સમજાયું કે એ ખરેખર હુમલો હતો. મેં લોહીથી લથપથ કેટલાક લોકોને અને સીટો લોહીથી રંગાયેલાં જોયાં હતાં.’
૨૦૧૧થી બ્રિટનમાં છરાબાજીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડા પ્રધાન કીર સ્ટાર્મરે આને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. ગયા વર્ષે ૬૦,૦૦૦થી વધુ છરીઓ જપ્ત કરવામાં આવી હતી. તાજેતરના દિવસોમાં છરાબાજીની આ બીજી મોટી ઘટના છે. અગાઉ મૅન્ચેસ્ટરમાં એક સિનાગોગ પર થયેલા હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.