27 November, 2025 11:33 AM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
ઈમરાન ખાનની ફાઇલ તસવીર
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના ન્યુઝ (Imran Khan News) હાલમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના મોતની અફવાઓ પણ ફેલાઈ હતી. હવે પાકિસ્તાન જેલ પ્રશાશન તરફથી આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે ઈમરાન ખાન સ્વસ્થ છે અને આદિયાલા જેલમાં બંધ છે.
ગઈકાલે ઈમરાન ખાનના મોત (Imran Khan News)ની અફવાઓને પગલે પાકિસ્તાનમાં ચકચાર મચી હતી. જ્યાં ઈમરાન ખાનને રાખવામાં આવ્યા છે ત્યાં તેમની પાર્ટીના લોકો અને સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ પહેલાં ઈમરાનની બહેનોએ પણ આરોપ લગાવ્યો હતો કે તેઓને પોતાના ભાઈ સાથે મળતા રોકવામાં આવી રહ્યા છે અને જેલની બહાર તેમની સાથે મારઝુડ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર ઈમરાન ખાનને જેલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાના અહેવાલો ખોટા છે. ઈમરાન ખાન (Imran Khan News) પૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી રહી છે. ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પણ જે કંઈ અટકળો લગાવવામાં આવે છે તે પાયાવિહોણી છે. ઉપરથી ઈમરાન ખાનને જે પ્રકારની સવલતો મળી રહી છે તે અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે ઈમરાન ખાનને જેલમાં એવી એવી સુવિધાઓ મળી રહી છે જે તેમને તેમની અટકાયત દરમિયાન પણ મળી ન હતી. જાવ અને તેમને પીરસવામાં આવતા ભોજનનું મેન્યુ જોઈ લો. તેવું ખાણું તો ફાઇવ સ્ટાર હોટલમાં પણ નથી મળતું. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ઈમરાન ખાનને એક ટેલીવિઝન સુદ્ધા આપવામાં આવ્યું છે જેમાં તે કોઈપણ ચેનલ માણી શકે છે. ઈમરાન ખાનને કસરત કરવા માટે યોગ્ય મશીનો પણ પૂરાં પાડવામાં આવ્યાં છે. આમ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હોવાની વાતો માત્ર ને માત્ર અફવાઓ હોવાનું સાબિત થયું છે. ગઈકાલે પાકિસ્તાનની આદિયાલા જેલની બહાર હોબાળો મચી ગયા બાદ જેલના વહીવટીતંત્રે જણાવ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાનની તબિયત સ્વસ્થ છે અને તેઓ જેલમાં જ બંધ છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન (Imran Khan News) અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના વડા ભ્રષ્ટાચાર અને આતંકવાદના કેસોમાં બે વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. ઈમરાન ખાનની બહેનોએ અને તેમના પુત્રોએ દાવો કર્યો છે કે ૨૦૨૨માં અવિશ્વાસનો મત ગુમાવ્યા બાદ સત્તા પરથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ વડા પ્રધાનને અમાનવીય પરિસ્થિતિમાં જેમમાં રાખવામાં આવ્યા છે. ઈમરાનની બહેન નોરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાન વિરોધ પ્રદર્શનમાં આગળ રહી હતી. વિરોધ કરતાં તેઓએ દાવો કર્યો છે કે કોર્ટના આદેશો મળી ગયા હોવા છતાં તેમને ઈમરાન ખાન સાથે મળવાની મંજૂરી આપવામાં આવી નથી રહી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનના પરિવારને અઠવાડિયામાં બે વાર તેમને મળવાનો અધિકાર આપ્યો છે.
ગઈકાલે પીટીઆઈના કાર્યકરો અને ઈમરાન (Imran Khan News)ની બહેનોએ આદિયાલા જેલ ચેકપોસ્ટ પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. જેલની બહાર ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પીટીઆઈના હજારો કાર્યકરો જેલની બહાર ભેગા થઇ ગયા હતા અને હિંસક વિરોધ દર્શાવ્યો હતો. ક્યાંક એવા પણ રિપોર્ટ્સ છે કે તેઓએ જેલમાં ઘૂસવાનો બળજબરીપૂર્વક પ્રયાસ કર્યો હતો. પરંતુ જેલના અધિકારીઓ અને પોલીસે અલીમા ખાનને ખાતરી આપી હતી કે ઈમરાન ખાન સાથે બેઠકની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદજ જઈને વિરોધ અટક્યો હતો.