03 January, 2026 08:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્કની ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે અબજોપતિ ઈલૉન મસ્કની માલિકી ધરાવતી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ કંપની Xને સખત ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ગ્રોક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મહિલાઓના અશ્લીલ ફોટો બનાવે છે એથી એને ૭૨ કલાકમાં હટાવવામાં આવે. ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયે Xના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને પત્ર લખ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ‘ગ્રોક AIની તાત્કાલિક વ્યાપક સમીક્ષા કરવામાં આવે અને એમાં ગેરકાયદે સામગ્રી સુધી જવાની લિન્કને હટાવવામાં આવે અથવા ડિસેબલ કરવામાં આવે. ગ્રોક AIનો ઉપયોગ કરીને મહિલાઓની અપમાનજનક તસવીરો અને વિડિયો બનાવવામાં આવી રહ્યાં છે અથવા એનો ઉપયોગ ખોટી ચીજો પ્રકાશિત કરવા કે શૅર કરવા માટે થઈ રહ્યો છે. એમાં મહિલાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અથવા તેમનું અપમાન થઈ રહ્યું છે.’