15 July, 2025 08:13 AM IST | California | Gujarati Mid-day Correspondent
રિટર્ન-જર્નીમાં સાથીઓ સાથે ડ્રૅગન સ્પેસક્રાફ્ટમાં શુભાંશુ શુક્લા.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ૧૮ દિવસ વિતાવ્યા બાદ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ગઈ કાલે પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરી છે. તેમનું અવકાશયાન ISSમાંથી અનડૉક કરવામાં આવ્યું હતું. આ મિશન ભારત સાથે હંગેરી અને પોલૅન્ડ માટે પણ અવકાશમાં વાપસીનું પ્રતીક છે, કારણ કે આ દેશોએ ચાર દાયકા પછી ફરીથી અવકાશી સફરમાં ભાગ લીધો હતો.
શુભાંશુ શુક્લા અને તેમની ટીમના ડ્રૅગન અવકાશયાને સાંજે ૪.૪૫ વાગ્યે ISSમાંથી અનડૉકિંગ કર્યું હતું. આ અવકાશયાન આશરે ૨૨.૫ કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ આજે બપોરે ૩.૦૧ વાગ્યે કૅલિફૉર્નિયાના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા ઑટોમૅટિક હશે અને એને કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપની જરૂર રહેશે નહીં.
ISSથી અલગ થયા પછી ડ્રૅગન અવકાશયાન જ્યારે પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે ત્યારે એનું તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
પૃથ્વી પર પાછા ફર્યા પછી સાત દિવસ રીહૅબમાં રહેશે
અવકાશમાંથી પાછા ફર્યા પછી શુભાંશુ શુક્લા અને તેમની ટીમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુરૂપ થવા માટે સાત દિવસ રીહૅબ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. વજનહીન વાતાવરણમાં જીવ્યા પછી શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે આ જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
વિદાય-સમારંભમાં શું કહ્યું શુભાંશુ શુક્લાએ?
રવિવારે ISS પર એક્સપિડિશન-73 મિશનના અવકાશયાત્રીઓએ Axiom-4 મિશન ટીમ માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે ‘આપણે ટૂંક સમયમાં પૃથ્વી પર મળીશું. મેં કલ્પના પણ નહોતી કરી કે આ યાત્રાની શરૂઆતમાં મને આટલો બધો અનુભવ થશે. આ યાત્રા મારા માટે અવિસ્મરણીય હતી.’