01 July, 2025 06:58 AM IST | Tehran | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહૂ
ઈરાન (Iran)ના ટોચના શિયા ધર્મગુરુએ અમેરિકા (United States of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઈઝરાયલ (Israel) વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) વિરુદ્ધ `ફતવો` એટલે કે ધાર્મિક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમને ‘અલ્લાહના દુશ્મન’ ગણાવવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ફતવામાં ઇસ્લામિક રાજ્યો દ્વારા દુશ્મનોને ટેકો આપવો એ હરામ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફતવામાં મુસ્લિમોને ખાતરી આપવામાં આવી હતી કે જો તેઓ તેમની ફરજો બજાવે તો તેમને અલ્લાહના માર્ગમાં પુરસ્કાર મળશે.
ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી (Grand Ayatollah Naser Makarem Shirazi) દ્વારા રજૂ કરાયેલા ફતવામાં વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઈસ્લામિક રિપબ્લિકના નેતૃત્વને ધમકી આપનારા યુએસ (US) અને ઇઝરાયલ નેતાઓને ઉથલાવી પાડવા હાકલ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાનના મકારેમે ફતવામાં કહ્યું છે કે, ‘કોઈપણ વ્યક્તિ અથવા શાસન જે નેતા અથવા મરજાને ધમકી આપે છે તેને `લડાકુ` અથવા `મોહરેબ` ગણવામાં આવે છે.’ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, મોહરેબ એવી વ્યક્તિ છે જે અલ્લાહ સામે યુદ્ધ કરે છે અને ઈરાની કાયદા હેઠળ, મોહરેબ તરીકે ઓળખાતા લોકોને ફાંસી, ક્રુસિફિકેશન, અંગવિચ્છેદન અથવા દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
ફતવામાં જણાવાયું છે કે, ‘મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા તે દુશ્મનને કોઈપણ સહયોગ અથવા સમર્થન હરામ અથવા પ્રતિબંધિત છે. વિશ્વભરના તમામ મુસ્લિમો માટે આ દુશ્મનોને તેમના શબ્દો અને ભૂલો બદલ પસ્તાવો કરાવવો જરૂરી છે.’
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘જો કોઈ મુસ્લિમ પોતાની ઇસ્લામિક ફરજ બજાવતો હોય તો તેને તેના અભિયાનમાં મુશ્કેલી કે નુકસાનનો સામનો કરવો પડે છે, તો અલ્લાહની ઇચ્છા મુજબ, તેને અલ્લાહના માર્ગમાં યોદ્ધા તરીકે પુરસ્કાર આપવામાં આવશે.’
૧૩ જૂને શરૂ થયેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ (Iran-Israel Conflict)ના ૧૨ દિવસના યુદ્ધના અંત પછી આ ધાર્મિક ફતવો આવ્યો છે. ૧૩ જૂને, ઇઝરાયલે ઇરાનમાં બોમ્બમારો શરૂ કર્યો જેમાં તેના પરમાણુ કાર્યક્રમમાં સામેલ ટોચના લશ્કરી કમાન્ડરો અને વૈજ્ઞાનિકો માર્યા ગયા. તેહરાન (Tehran)એ ઇઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કરીને જવાબ આપ્યો. ઇઝરાયલે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય ઇસ્લામિક રિપબ્લિક (Islamic Republic)ને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવાનો હતો, જે દાવાને તેહરાને વારંવાર નકારી કાઢ્યો છે. અમેરિકા (United States of America) પણ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરવા માટે યુદ્ધમાં કૂદી પડ્યું, જેનાથી તણાવ વધુ વધ્યો. આ પછી ઈરાને કતાર (Qatar)માં યુએસ લશ્કરી મથક પર બોમ્બમારો કર્યો. તમને જણાવી દઈએ કે, હાલમાં યુદ્ધ બંધ છે અને યુદ્ધવિરામ અમલમાં છે. તેમ છતા બન્ને દેશો વચ્ચેનો તણાવ ઓછો નથી થયો.