ઈરાને F-35 ફાઇટર પ્લેન તોડી પાડ્યું, પાઇલટ ગુમ

04 April, 2026 08:48 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

અમેરિકાનાં બ્લૅક હૉક હેલિકૉપ્ટર અને C-130 વિમાનો પાઇલટની શોધમાં જમીનથી ખૂબ નજીક ઊડી રહ્યાં છે

તૂટેલા પ્લેનના અવશેષ

ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ ગઈ કાલે દાવો કર્યો હતો કે તેમણે અમેરિકાના ફાઇટર જેટ F-35ને તોડી પાડ્યું છે. આ ફાઇટર જેટમાંથી પાઇલટ ઇજેક્ટ થઈને જીવતો ઈરાનની ધરતી પર લૅન્ડ થયો હોવાનું મનાય છે. આ ઘટના સેન્ટ્રલ ઈરાનમાં બની હતી. ફાઇટર જેટ સંપૂર્ણ રીતે નષ્ટ થયું છે. ઈરાને આ જેટની તસવીરો પણ જાહેર કરી હતી.

આ સમાચારોની વચ્ચે એક સ્થાનિક ન્યુઝ-એજન્સીએ દાવો કર્યો હતો કે પાઇલટ ઈરાનના કબજામાં છે. જોકે ઈરાને અમેરિકાના F-35 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ પાઇલટને પકડવાના દાવાનો ઇનકાર કર્યો હતો.

ફાઇટર જેટનો કાટમાળ જ્યાં પડ્યો છે એ જગ્યાનાં ફુટેજ ઈરાની ન્યુઝ-એજન્સીએ બહાર પાડ્યાં હતાં. અમેરિકાનો પાઇલટ જીવતો હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેને ઈરાનની સીમામાંથી બહાર કાઢવા માટે એડીચોટીનું જોર લગાવીને પાઇલટની શોધમાં લાગ્યું છે. ગઈ કાલે ઈરાનમાં જ્યાં ફાઇટર જેટ તૂટી પડ્યું એની આસપાસના વિસ્તારોમાં અમેરિકાનાં બ્લૅક હૉક હેલિકૉપ્ટર અને C-130 વિમાનો જમીનથી ખૂબ નજીક ઊડી રહ્યાં હતાં અને એ અમેરિકી સેનાનું પાઇટલને શોધવાનું અભિયાન હોવાનું મનાઈ રહ્યું છે. 

અમેરિકાના પાઇલટને જીવતો કે મરેલો પકડશે તેને ઇનામ મળશે : ઈરાન

તેહરાને દુશ્મનના ફાઇટર જેટને તોડી પાડ્યાની પુષ્ટિ કર્યા પછી અમેરિકાએ પણ આ વાત સ્વીકારી હતી. ઈરાની મીડિયામાં એક જાહેરાત થઈ હતી કે જે કોઈ પણ આમ આદમી દુશ્મન પાઇલટને જીવતો પડકશે તેને ઇનામ આપવામાં આવશે. દક્ષિણ-પશ્ચિમી ઈરાની પ્રાંતના ગવર્નરે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ અમેરિકન પાઇલટને જીવતો કે મરેલો પકડશે કે તેના વિશે માહિતી આપશે તેને ઇનામ આપવામાં આવશે.

ઈરાની ગવર્નરે કહ્યું હતું કે ‘કોઈ દુશ્મન પાઇલટ પકડાય તો તેને પોલીસ કે મિલિટરી ફોર્સને જીવતો સોંપવામાં આવે છે. એમ કરવાથી વધુ મોટું ઇનામ મળશે.’

આ જાહેરાત ઈરાનની ન્યુઝ-ચૅનલો પર કરવામાં આવી હતી. 

અમેરિકાના આર્મી ચીફ ઑફ સ્ટાફ રૅન્ડી જ્યૉર્જની હકાલપટ્ટી, બે જનરલોને પણ પાણીચું

રૅન્ડી જ્યૉર્જ

અમેરિકાના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે આર્મી ચીફ ઑફ સ્ટાફ જનરલ રૅન્ડી જ્યૉર્જને હટાવ્યા પછી નેતૃત્વમાં મોટા પાયે ફેરફાર કરીને બે વધારાના વરિષ્ઠ આર્મી અધિકારીઓ આર્મી ટ્રાન્સફૉર્મેશન ઍન્ડ ટ્રેઇનિંગ કમાન્ડના વડા જનરલ ડેવિડ હોડને અને મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરને બરતરફ કર્યા છે. આમ ઈરાન સામે યુદ્ધ ચાલુ છે ત્યારે આટલા મોટા અધિકારીઓને ઘરે બેસાડવામાં આવ્યા છે.

iran united states of america international news world news news