ઈરાનમાં એક તરફ અરાજકતા, બીજી તરફ અમેરિકાની ચેતવણી

03 January, 2026 12:57 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધીઓને મારવામાં આવશે તો અમે ચૂપ નહીં બેસીએ : ઈરાનમાં સરકાર સામે પડેલા ૭ પ્રદર્શનકારીઓનાં મોતથી મામલો વણસ્યો

સ્થાનિકોએ ઈરાનના ધ્વજને લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું

ઈરાનમાં સુરક્ષાદળો અને વિરોધીઓ વચ્ચે ગયા રવિવારથી શરૂ થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો ઈરાન શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે ઘાતકબળનો ઉપયોગ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. તેમણે કહ્યું હતું કે જો ઈરાની સરકાર શાંતિપૂર્ણ વિરોધીઓને મારી નાખે છે તો અમેરિકા ચૂપ નહીં રહે. ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે અમે સંપૂર્ણપણે રીતે તૈયાર છીએ અને કાર્યવાહી કરવા માટે તત્પર છીએ.

ઈરાને શું આપ્યો જવાબ?

ડોનલ્ડ ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના એક વરિષ્ઠ સલાહકારે ગઈ કાલે કહ્યું હતું કે ઈરાની વિરોધ-પ્રદર્શનોમાં કોઈ પણ અમેરિકન હસ્તક્ષેપ સમગ્ર ક્ષેત્રમાં અરાજકતા ફેલાવશે.

લોકોમાં ભારે રોષ

ઈરાનમાં સુરક્ષાદળો અને વિરોધીઓ વચ્ચેની અથડામણને કારણે અશાંતિ અને દેશની આર્થિક સ્થિતિ બગડી રહી છે એ વધતા જતા લોકોના ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તહેરાનમાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયાં હતાં જ્યાં દુકાનદારો રાષ્ટ્રીય ચલણમાં ભારે ઘટાડા, નબળા આર્થિક વિકાસ અને વધતી કિંમતો પ્રત્યે સરકારના પ્રતિભાવની ટીકા કરવા માટે એકઠા થયા હતા. સત્તાવાર આંકડા દર્શાવે છે કે ડિસેમ્બરમાં ફુગાવો ૪૨.૫ ટકા સુધી પહોંચ્યો હતો.

વિદ્યાર્થીઓ પણ જોડાયા

મંગળવારે આશરે ૧૦ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં જોડાયા હતા. ઘણાં શહેરોમાં વિરોધ ચાલુ રહેતાં બજારો બંધ રહ્યાં હતાં. ઠંડા હવામાનને કારણે અધિકારીઓએ રજા પણ જાહેર કરી, એના કારણે દેશના મોટા ભાગોમાં વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અનેક પ્રાંતોમાં પ્રદર્શનો ફેલાઈ ગયાં છે, કેટલાક પ્રદર્શનો હિંસક બન્યાં છે. 

iran united states of america donald trump international news world news news