13 March, 2026 10:45 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
મોજતબા ખામેનેઈ
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદભાર સંભાળ્યો એ પછી પહેલી વાર જાહેર સંબોધન કરીને અમેરિકા અને ઇઝરાયલને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન એના શહીદો અને ખાસ કરીને યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોનો બદલો જરૂર લેશે.
મિડલ ઈસ્ટમાં થઈ રહેલું યુદ્ધ હવે વિનાશકારી તબક્કા પર પહોંચી રહ્યું છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સે હાલમાં જ દાવો કર્યો હતો કે મોજતબા ખામેનેઈ ઘાયલ થઈ ગયા છે. જોકે ગઈ કાલે તેમણે સંદેશ બહાર પાડ્યો હતો જેમાં તેમણે દેશના શહીદોનો બદલો લેવા માટે કોઈ પણ હદે જવાની તૈયારી બતાવી છે. તેમણે શરૂઆતમાં જ અલ્લાહનું નામ લઈને ઈરાન ન્યાય અને શાંતિની રાહ પર ચાલવા માગે છે એવું જણાવતાં કહ્યું હતું કે એનો મતલબ એ નથી કે ઈરાન દુશ્મનોની સામે જવાબી કાર્યવાહી કરવાથી પાછળ હટશે. તેમણે કહ્યું હતું કે ‘હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રાખવામાં આવશે. અમે અમારા શહીદોના લોહીને વ્યર્થ નહીં જવા દઈએ. ખાસ કરીને મિનાબમાં શહીદ થયેલાં બાળકોની શહાદતનો બદલો અચૂક લઈશું. ઈરાન પાડોશી દેશો સાથે મૈત્રી સંબંધો રાખવામાં વિશ્વાસ કરે છે, પરંતુ જે ખાડી દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ ઈરાન સામે વપરાઈ રહ્યા છે તેમના પર નિશાના સાધવાનું ચાલુ રહેશે. અમારી સુરક્ષા માટે એમ કરવા અમે મજબૂર છીએ.’
મોજતબાએ પોતાના સંદેશમાં ઈરાની સેના અને જનતાના નૈતિકબળને વધારતાં કહ્યું હતું કે ‘ઈરાની સેના અને સુરક્ષા દળોને મારા ધન્યવાદ. દેશની રક્ષા માટેના તમારા તમામ પ્રયાસ સરાહનીય છે. ઈરાનની જનતાને નિવેદન છે કે તેઓ દેશભરમાં આયોજિત રૅલીઓમાં રેકૉર્ડ સંખ્યામાં ભાગ લે અને દેખાડી દે કે દેશ બહારના લોકોના દબાણની સામે એકજૂટ છે. આપણી લડાઈ માત્ર સૈન્યની નથી પરંતુ રાષ્ટ્રીય સન્માન અને સુરક્ષાની લડાઈ છે.’
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની નિયુક્તિ પછી ગઈ કાલે તેમના તરફથી પહેલો સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો. જોકે આ સંદેશો ટીવી ન્યુઝ-ઍન્કરે વાંચી સંભળાવ્યો હતો, મોજતબા સ્ક્રીન પર દેખાયા નહોતા. જોકે સાથે એવા સમાચાર પણ ફેલાયા છે કે મોજતબા ખામેનેઈ કોમામાં છે અને અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમનો એક પગ કાપી નાખવો પડ્યો છે. દુશ્મન દેશો અને જનતાને સંદેશો આપવા માટે મોજતબા ખુદ કેમ સ્ક્રીન પર ન આવ્યા એ બાબતે ચર્ચા શરૂ થઈ છે અને તેમની તબિયત ઠીક ન હોવાની અટકળોને વેગ મળ્યો છે.
મોજતબાના પ્રથમ જાહેર સંદેશ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર વળતો જવાબ આપતાં તેલની કિંમત અને ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓની વાત કરી હતી. તેમણે કહ્યું કે `તેલની કિંમત પર અમેરિકાને જ લાભ છે. અમેરિકા દુનિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદક છે અને તેલની કિંમતો વધશે તો અમેરિકાને જ ફાયદો છે. ઈરાન ઇવિલ એમ્પાયર છે. મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતાં રોકવું, જેથી મિડલ-ઈસ્ટ અને દુનિયાને વિનાશથી બચાવી શકાય.’