અમેરિકા-ઈરાનની શાંતિમંત્રણા પર જબરું સસ્પેન્સ

21 April, 2026 11:19 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાને શાંતિમંત્રણા માટે હકાર ભણ્યો નથી, છતાં ટ્રમ્પ કહે છે કે આજે જ પાકિસ્તાનમાં ડીલ સાઇન થશે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની ડીલ આજે પાકિસ્તાનમાં સાઇન થશે. તેમણે ફૉક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યુમાં ગઈ કાલે કહ્યું હતું કે આજે ડીલ થઈ શકે છે. આ પહેલાં ન્યુ યૉર્ક પોસ્ટને પણ ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાનમાં શાંતિમંત્રણા માટે ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ અને સ્પેશ્યલ રાજદૂત સ્ટીવી વિટકૉફ અને ઍડ્વાઇઝર જેરેડ કુશનેર ઇસ્લામાબાદ જવા નીકળી ગયા છે. 

ઈરાન આ મંત્રણામાં ભાગ નહીં લે એવા દાવાને ફગાવતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ઇસ્લામાબાદમાં વાટાઘાટો કરવા જઈ રહ્યું છે અને મને આશા છે કે આ વખતે એમાં કોઈ રમત રમાશે નહીં. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ ઈરાની રાજદૂત રેઝા અમીરી સાથે મુલાકાત કરી હતી જેમાં અમેરિકા સાથેની સંભવિત શાંતિમંત્રણા અને ક્ષેત્રીય તનાવ ઓછો કરવાના મુદ્દે ચર્ચા કરી હતી. 

પાકિસ્તાન હવે ઈરાની રાજદૂતના માધ્યમથી ઈરાન સુધી વાત પહોંચાડીને પરિસ્થિતિને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહ્યું છે.

ઈરાની પ્રતિનિધિઓને મળવા ખુદ ડોનલ્ડ ટ્રમ્પ તૈયાર 

એક તરફ ઈરાન શાંતિમંત્રણાથી અંતર બનાવી રહ્યું છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ હવે યુદ્ધને સુલઝાવવા માટે ઉતાળવા થયા હોય એવું લાગે છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘ઈરાન સાથે સીધી વાતચીત કરવામાં મને કોઈ વાંધો નથી. જો તેઓ મળવા માગતા હોય તો અમે મળી શકીએ છીએ.’

international news world news pakistan iran middle east crisis islamabad donald trump