ઈરાની વિદેશપ્રધાન ઇસ્લામાબાદથી નીકળી ગયા, અમેરિકા સાથે સીધી વાતચીતનો કર્યો ઇનકાર

26 April, 2026 07:52 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

અબ્બાસ અરાગચીએ ઈરાનની શરતો અને અમેરિકાની ડિમાન્ડ પર પોતાની આપત્તિઓની રજૂઆત પાકિસ્તાનને સોંપી: ટ્રમ્પે પ્રતિનિધિમંડળની ૧૮ કલાકની લાંબી યાત્રા રોકી દીધી

ડોનલ્ડ ટ્રમ્પ

ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી શુક્રવારે ૩ દેશોની વિઝિટે નીકળ્યા હતા. શનિવારે તેઓ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હતા, પરંતુ અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના જ ઇસ્લામાબાદથી નીકળી ગયા હતા. ઇસ્લામાબાદમાં અબ્બાસ અરાગચી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ આસિમ મુનીર અને અન્ય અધિકારીઓને મળ્યા હતા. તેમણે અમેરિકા સાથે સીધી મંત્રણા કરવાનો ઇનકાર કરી દીધો હતો અને અમેરિકાની ડિમાન્ડ પર પોતાની આપત્તિઓના મુદ્દા અને ઈરાનની શરતો પાકિસ્તાનના મંત્રણાકારોને સોંપી દીધાં હતાં. 
અમેરિકા તરફથી શાંતિમંત્રણા માટે સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર ઇસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ તેમની વિઝિટને રદ કરી દેવાની જાહેરાત ડોનલ્ડ ટ્રમ્પે કરી હતી. એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનેરની ૧૮ કલાકની લાંબી યાત્રા રોકી દીધી છે, કેમ કે એનો કોઈ ખાસ ફાયદો નહોતો. હાલમાં અમેરિકા મજબૂત સ્થિતિમાં છે. ઈરાન ઇચ્છે તો અમેરિકાનો સંપર્ક કરી શકે છે. અમેરિકાની ટીમ પાકિસ્તાન જઈને કોઈ પરિણામ વિનાની વાતચીતની રાહ નહીં જુએ.’  

international news world news united states of america donald trump iran israel pakistan middle east crisis