બે વર્ષ સુધી દેશ છોડવા પર અને કલાત્મક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ

20 June, 2026 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિજાબ પહેર્યા વગર ગીત ગાવા બદલ ઈરાનની પ્રખ્યાત સિંગરને ૭૪ કોરડા મારવાની સજા

ઈરાનની જાણીતી સિંગર પરસ્તુ અહમદીન

ઈરાનની જાણીતી સિંગર પરસ્તુ અહમદીને હિજાબ પહેર્યા વગર ઑનલાઇન કૉન્સર્ટ કરવા બદલ ત્યાંની કટ્ટરપંથી અદાલતે અત્યંત ક્રૂર સજા ફટકારી છે. આ આકરા ફરમાનથી ફરી એક વાર ઈરાનના કલાકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સિંગર પરસ્તુ અહમદી અને તેની સાથે કામ કરનારા અન્ય ૮ સાથીદારોને ૭૪-૭૪ કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. ઈરાનના કોમ પ્રાંતની અદાલતે તેમને ઇન્ટરનેટ પર કથિત અશ્લીલ કન્ટેન્ટ પબ્લિશ કરવા બદલ દોષી જાહેર કર્યાં છે. આ ઉપરાંત કોર્ટે પરસ્તુ પર આગામી બે વર્ષ સુધી દેશ છોડવા અને કોઈ પણ પ્રકારની કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ સમગ્ર વિવાદ ડિસેમ્બર ૨૦૨૪નો છે. પરસ્તુ અહમદીએ વિડિયો-પ્લૅટફૉર્મ યુટ્યુબ પર એક લાઇવ કૉન્સર્ટ કરી હતી. આ દરમ્યાન તેણે ઈરાનનું પ્રખ્યાત દેશભક્તિ ગીત ‘અજ ખૂને જવાનાને વતન’ ગાયું હતું. આ પર્ફોર્મન્સ વખતે તેણે હિજાબ પહેરવાને બદલે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પણ ભારે વાઇરલ થયો હતો અને લાખો લોકોએ એને જોયો હતો. એ સમયે સિંગર અને તેની ટીમને કસ્ટડીમાં લેવાયા બાદ છોડી દેવાયાં હતાં, પરંતુ કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.

iran international news world news news