17 July, 2025 08:07 AM IST | Syria | Gujarati Mid-day Correspondent
સિરિયા પર ઇઝરાયલનો બૉમ્બમારો
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ઇઝરાયલે સિરિયાની રાજધાની દમાસ્કસમાં સિરિયાના લશ્કરી મુખ્યાલયના પ્રવેશદ્વાર પર બૉમ્બમારો કર્યો છે. સિરિયાની રાજધાનીમાં બૉમ્બવિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ તરત જ IDFનું નિવેદન આવ્યું હતું.
બીજી તરફ બે સિરિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયલી મિસાઇલો રાજધાનીમાં આવેલાં સંરક્ષણ મંત્રાલયનાં બિલ્ડિંગો પર પણ પડી હતી.
બીજી તરફ એક સાક્ષીના જણાવ્યા અનુસાર ઇઝરાયલી દળોએ દેશ સિરિયા પર કરેલા હવાઈ હુમલામાં રાજધાની દમાસ્કસમાં પ્રેસિડન્ટ જ્યાં રહે છે એ પ્રેસિડેન્શિયલ પૅલેસની બાજુમાં વિસ્ફોટો થયાના અહેવાલ છે. આ પહેલાં દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલયને પણ હવાઈ હુમલામાં મોટા પાયે નુકસાન થયું હતું. ઇઝરાયલે સાઉથ સિરિયામાં ડ્રુઝ સમુદાયો પર હુમલો કરતાં સિરિયન સરકારી દળોને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તેમને હટી જવાની માગણી કરી છે.