ઇઝરાયલનો દાવો: અમારા અટૅકમાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ

10 March, 2026 10:23 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે અલી ખામેનેઈના દીકરા મોજતબા ખામેનેઈની પસંદગી

અલી ખામેનેઈના પુત્ર મોજબતા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા એ પછી તેમના સમર્થનમાં તેહરાનના એક સર્કલ પર હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરેલા હુમલામાં માર્યા ગયેલા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના ૫૬ વર્ષના પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોજતબા એક મધ્યમ કક્ષાના ધર્મગુરુ છે જેમનો ઈરાનનાં સુરક્ષાદળો અને તેમના પિતાના નેતૃત્વમાં વિશાળ વ્યાપારી નેટવર્કમાં પ્રભાવ છે. જોકે ઇઝરાયલે દાવો કર્યો હતો કે એણે નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પર હુમલો કર્યો છે અને આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓ હજી પણ જીવિત છે, પણ આ ન્યુઝથી ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે.

ઇઝરાયલી સૈન્યએ ધમકી આપી છે કે જો મોજતબા ખામેનેઈ આ પદ સંભાળશે તો તેઓ પણ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના નિશાન પર હશે અને જ્યાં સુધી ઇઝરાયલ આ લક્ષ્ય પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.

સૌથી મોટો હુમલો

મોજતબા ખામેનેઈએ નવા સુપ્રીમ લીડર તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યાર બાદ ઈરાનમાં યુદ્ધે વિનાશક વળાંક લીધો છે. ગઈ કાલે અમેરિકા અને ઇઝરાયલે મોજતબાના નેતૃત્વ હેઠળના ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઈલ-હુમલો કર્યો હતો જેને ‘ઑપરેશન ઑનેસ્ટ પ્રૉમિસ 4’ના ૨૯મા તબક્કા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. 

ધમકીને કારણે હાજર ન રહ્યા

ગઈ કાલે સવારે મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ઔપચારિક રીતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)ના ટોચના કમાન્ડરો અને ધાર્મિક વિદ્વાનોની હાજરીમાં તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમના પર હુમલાની ધમકીને કારણે તેઓ આ પ્રસંગે હાજર નહોતા રહ્યા. ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્સે તેહરાન સમય મુજબ મધરાત પછી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિર્ણાયક મત દ્વારા ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્સે આયાતુલ્લાહ સૈયદ મોજતબા હોસેની ખામેનેઈને ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની પવિત્ર વ્યવસ્થાના ત્રીજા નેતા તરીકે નિયુક્ત કર્યા છે. સવારે નવા સુપ્રીમ લીડર બન્યા પછી બપોર સુધીમાં તેમના પર હુમલાના સમાચાર સામે આવતાં સમગ્ર ઈરાન, IRGC અને ધાર્મિક વિદ્વાનોમાં ગભરાટ ફેલાયો છે.

રશિયાનું ઈરાનને ખુલ્લું સમર્થન, મોજતબા ખામેનેઈને આપ્યાં અભિનંદન

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વિશે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયા ઈરાનની સાથે મજબૂતીથી ઊભું છે. પુતિને મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનવા બદલ અભિનંદન પણ આપ્યાં હતાં અને તેહરાન માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાન જ્યારે સશસ્ત્ર હુમલાનો સામનો કરી રહ્યું છે ત્યારે તેમને આ પદ માટે નિયુક્ત કરાયા છે, આ પદ તેમના નેતૃત્વ કરવાના સાહસ અને સમર્પણની મોટી પરીક્ષા બની રહેશે.

આ મુદ્દે પુતિને કહ્યું હતું કે રશિયા પોતાના ઈરાની મિત્ર સાથે એકજુટ છે અને કઠિન પરિસ્થિતિમાં ઈરાનની પડખે ઊભું રહેશે, અમને વિશ્વાસ છે કે મોજતબા ખામેનેઈ તેમના પિતાનાં કાર્યો આગળ વધારીને ઈરાનની જનતાને એક કરશે.

મોજતબા ખામેનેઈને મારવાની ઇઝરાયલની ધમકીથી ચીન ભડક્યું

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ મોજતબા ખામેનેઈની હત્યાની ઇઝરાયલ દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ધમકીથી ચીન ગુસ્સે છે. ચીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ બહાના હેઠળ ઈરાનની આંતરિક બાબતોમાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં; ઈરાનની સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.

international news world news russia united states of america israel iran middle east crisis china