ઇઝરાયલનો દાવો: બૈરુતમાં હિઝબુલ્લાના સીક્રેટ બન્કરમાં આશરે ૫૦૦ મિલ્યન ડૉલર અને સોનું

23 October, 2024 12:10 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે (IDF) ગઈ કાલે દાવો કર્યો હતો કે બૈરુતમાં હિઝબુલ્લાની નાણાકીય ગતિવિધિ સંભાળતી અલ કાર્દ અલ હસન (AQAH)ના બન્કરમાં આશરે ૫૦૦ મિલ્યન ડૉલર (આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા) અને સોનું રાખવામાં આપ્યાં હોવાની જાણકારી તેમની પાસે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે (IDF) ગઈ કાલે દાવો કર્યો હતો કે બૈરુતમાં હિઝબુલ્લાની નાણાકીય ગતિવિધિ સંભાળતી અલ કાર્દ અલ હસન (AQAH)ના બન્કરમાં આશરે ૫૦૦ મિલ્યન ડૉલર (આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા) અને સોનું રાખવામાં આપ્યાં હોવાની જાણકારી તેમની પાસે છે. રવિવારે રાતે ઇઝરાયલે હિઝબુલ્લાની નાણાકીય સંપત્તિઓ પર બૈરુતમાં ૨૪ કલાકમાં ૩૦૦ ઍર-સ્ટ્રાઇક કરી હતી.

આ સંદર્ભમાં IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ ટીવી પર લાઇવ પ્રેસ-કૉન્ફરન્સમાં કરેલા દાવા મુજબ બૈરુતના મધ્યમાં આવેલી અલ સાહેલ હૉસ્પિટલની નીચે આ બન્કર છે, જેમાં ઘણું સોનું અને ૫૦૦ મિલ્યન ડૉલર રાખવામાં આવ્યાં છે. આ બન્કર હિઝબુલ્લાના માર્યા ગયેલા કમાન્ડર હસન નસરલ્લાહે બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ રકમનો ઉપયોગ હિઝબુલ્લાની આતંકવાદી ગતિવિધિઓ માટે થતો હતો.

આ સંદર્ભમાં જાણકારી આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સાઇટ પર હજી હુમલો કરવામાં આવ્યો નથી. જોકે હગારીએ એ જાણકારી નહોતી આપી કે આ બન્કરની અંદર રહેલી ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે કે નહીં. તેમણે એટલું જણાવ્યું હતું કે આવાં બીજાં ઠેકાણાં પર ઍર-સ્ટ્રાઇક કરવામાં આવશે.

શું છે AQAHની ઍક્ટિવિટી?

AQAH એ હિઝબુલ્લાની ચૅરિટી સાથે સંકળાયેલી સંસ્થા છે. એ ૧૯૮૦થી લેબૅનનમાં લોકોને સોનાની સામે લોન આપે છે. આ માટે જ આટલી મોટી રકમ અને સોનું ત્યાં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. જોકે ઈઝરાયલ માને છે કે હિઝબુલ્લાને એ જ નાણાકીય સહાય પૂરી પાડે છે. નાગરિકો માટે બૅન્કના નામે એ મની લૉન્ડરિંગ કરે છે.

israel terror attack new international news world news