મોદીના ખાસ મિત્ર શિન્ઝો આબેનું મર્ડર

09 July, 2022 08:25 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનનું ફાયરિંગમાં મૃત્યુથી દુનિયા સ્તબ્ધ : પદ્મવિભૂષણથી ગંગા આરતી સુધી ભારત સાથે આબેનો ખાસ નાતો હતો

૨૦૧૭ની ૧૩ સપ્ટેમ્બરે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને અંજલિ અર્પી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એ સમયના જૅપનીઝ વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં વાઇફ અકી આબે.

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને ગઈ કાલે નારા સિટીમાં એક કૅમ્પેન દરમ્યાન ગોળી મારવામાં આવી હતી, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે એ પછી તરત અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ શ્વાસ લઈ નથી રહ્યા અને તેમનું હૃદય બંધ પડી ગયું છે. આખરે હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.

પોલીસે આ આઘાતજનક હુમલાના સ્થળેથી શકમંદ હુમલાખોરની ધરપકડ કરી છે. આ ઘટનાથી સમગ્ર દુનિયાના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે.  વડા પ્રધાન ફુમિયો કિશિદાએ આ હુમલાને કાયરતાપૂર્ણ અને બર્બર ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી લોકશાહીનો પાયો છે અને એને માટેના કૅમ્પેન દરમ્યાન થયેલા આ હુમલાને બિલકુલ માફ નહીં કરાય.

આ હુમલા બાદ દેશભરમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા કિશિદા અને તેમની કૅબિનેટના પ્રધાનો ટોક્યોમાં પાછા ફર્યા હતા.  

આ હુમલાના ફુટેજમાં જોવા મળે છે કે આબે નારામાં મેઇન ટ્રેન સ્ટેશનની બહાર સ્પીચ આપી રહ્યા છે. તેઓ નેવી બ્લુ સૂટમાં ઊભા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. એ પછી ફુટેજમાં જોવા મળ્યું હતું કે આબે સ્ટ્રીટમાં જ પડી ગયા હતા.

સિક્યૉરિટી ગાર્ડ્સ તેમની તરફ દોડી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર તેમની પીઠની ડાબી બાજુએ અને ગળાની જમણી બાજુએ ગોળી વાગી હતી.

આ હુમલાની સાક્ષી એક મહિલાએ જણાવ્યું હતું કે ‘આબે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે એક પુરુષ પાછળથી આવ્યો હતો. પહેલી ગોળી વાગી ત્યારે તેઓ પડી નહોતા ગયા, પણ બીજી ગોળી વાગી ત્યારે ધુમાડો છવાઈ ગયો હતો. એ પછી આબેની આસપાસ હાજર લોકો તેમને કાર્ડિઍક મસાજ આપવા માંડ્યા હતા. આબેના ગળામાંથી લોહી વહેતું હતું.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેના નિધન પર આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ મોદી અને શિન્ઝો આબે વચ્ચે ખાસ નાતો હતો. આબેએ એક સમયે પીએમ મોદીને તેમના સૌથી ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યા હતા. વાસ્તવમાં આ બંને નેતાઓ વચ્ચેના મજબૂત સંબંધોને કારણે જ ભારત અને જપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવામાં મદદ મળી હતી. ૨૦૧૫માં પીએમ મોદી ગંગા આરતીનાં દર્શન માટે આબેને વારાણસીમાં લઈ ગયા હતા. એના બે વર્ષ પછી આબે એ સમયે જપાનના વડા પ્રધાન હતા ત્યારે તેમણે ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. એના એક વર્ષ પછી પીએમ મોદી ઇન્ડિયા-જપાન વાર્ષિક સમિટ માટે જપાન ગયા હતા ત્યારે આબેએ તેમના પ્રાઇવેટ હૉલિડે હોમ ખાતે મોદીને આવકાર્યા હતા.

આબેને ૨૦૨૧માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુપીએ સરકાર દરમ્યાન ૨૦૧૪માં તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હતા. 

હુમલાખોર આબેથી નારાજ હતો

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર થયેલા આઘાતજનક હુમલા પછી તરત ૪૨ વર્ષના શકમંદની ધરપકડ કરવામાં આવી હતી. આ શકમંદ હુમલાખોર વિશેની માહિતીઃ
૧. યામાગામી તેત્સુયા હત્યારો 
હોવાનું માનવામાં આવે છે, જે મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો ભૂતપૂર્વ મેમ્બર છે.
૨. તેણે ૨૦૦૫માં આ સેલ્ફ ડિફેન્સ ફોર્સ છોડી દીધી હતી. 
૩. આ શંકાસ્પદ શૂટરે પોતે જ ગન બનાવી હોવાનું માનવામાં આવે છે. 
૪. તેણે જ્યારે શિન્ઝો આબે પર ફાયરિંગ કર્યું  ત્યારે તે તેમનાથી ફક્ત ૧૦ ફુટ દૂર ઊભો હતો. 
૫. આ હુમલાખોરે ભાગવાની કોશિશ નહોતી કરી.  
૬. તેણે પોલીસને જણાવ્યું હતું કે આબેની હત્યા કરવાના ઇરાદાથી જ તેણે તેમને ટાર્ગેટ કર્યા હતા. 
૭. તે આબેથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર 

પશ્ચિમ જપાનના નારા શહેરમાં ગઈ કાલે પ્રચાર ભાષણ કરી રહેલા જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ભારતમાં આજે એક દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેના દુખદ અવસાન પર શોક વ્યક્ત કરતાં  ટ્વીટ કરી કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે માટે અમારા ઊંડા આદરના ચિહ્‍ન તરીકે ૨૦૨૨ની ૯ જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.’

ગ્લોબલ લીડર્સે શિન્ઝો આબેને આપી અંજલિ

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન

ભારત અને જપાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવીને એને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તર સુધી લઈ જવામાં શિન્ઝો આબેનું ખૂબ યોગદાન રહ્યું છે. આજે જપાનની સાથે સમગ્ર ભારત શોક મનાવી રહ્યું છે. અમે આ મુશ્કેલ ક્ષણે અમારાં જૅપનીઝ ભાઈઓ-બહેનોના પડખે છીએ.

મારિયો ડ્રઘી, ઇટલીના વડા પ્રધાન

આ ભયાનક હુમલાથી ઇટલી શૉક્ડ છે. શિન્ઝો આબે તાજેતરના દસકાઓમાં જૅપનીઝ અને આંતરરાષ્ટ્રીય રાજકીય જીવનના મહાન નાયક હતા. ઇટલી તેમના પરિવાર, સરકાર અને તમામ જૅપનીઝ લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. 

બૉરિસ જોનસન , યુકેના કૅરટેકર વડા પ્રધાન

શિન્ઝો આબે વિશે અત્યંત દુખદ સમાચાર. તેમના વૈશ્વિક નેતૃત્વને યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને જૅપનીઝ લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ.

ઍન્થની અલ્બનીઝ, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન

શિન્ઝો આબેનું કરુણ નિધન. અત્યંત વ્યથિત કરનારા સમાચાર. આબે વૈશ્વિક સ્તરે ઑસ્ટ્રેલિયાના ગાઢ મિત્રો પૈકીના એક હતા. 

ઓલફ સ્ક્લોઝ, જર્મનીના ચાન્સેલર

શિન્ઝો આબેના નિધનના ન્યુઝથી અત્યંત વ્યથિત છું. અમે આ મુશ્કેલ સમયે જૅપનીઝ લોકોના પડખે છીએ. 

international news japan india narendra modi shinzo abe