16 September, 2025 08:15 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જપાનની એક કોર્ટે સ્થાનિક કૉસ્મેટિક કંપની ડી-યુપી કૉર્પોરેશન અને એના પ્રેસિડન્ટ મિત્સુરુ સકાઈને પચીસ વર્ષની કર્મચારી સાતોમીના મૃત્યુ માટે જવાબદાર ઠરાવ્યાં હતાં અને કોર્ટે સાતોમીના પરિવારને ૧૫૦ મિલ્યન યેન (આશરે ૯ કરોડ રૂપિયા) વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કંપનીના પ્રેસિડન્ટ મિત્સુરુ સકાઈને તેમના પદ પરથી રાજીનામું આપવાનો પણ આદેશ આપ્યો હતો અને તેમણે રાજીનામું આપી દીધું હતું.
સ્ટ્રે-ડૉગ કહેવામાં આવી
એપ્રિલ ૨૦૨૧માં સાતોમી ડી-યુપી કંપનીમાં જોડાઈ હતી. ડિસેમ્બર ૨૦૨૧માં તેને કંપનીના પ્રેસિડન્ટ મિત્સુરુ સકાઈ સાથેની મીટિંગમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. મીટિંગ દરમ્યાન સાતોમીને અમુક કાર્યો માટે સખત ઠપકો આપવામાં આવ્યો હતો, જેમાં પરવાનગી વિના ક્લાયન્ટની મુલાકાત લેવાનો પણ સમાવેશ થતો હતો. લાંબી મીટિંગ દરમ્યાન મિત્સુરુ સકાઈએ સાતોમી સામે કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો અને તેને સ્ટ્રે-ડૉગ પણ કહેવામાં આવી હતી. આટલું જ નહીં, બીજા દિવસે સાતોમીને કહેવામાં આવ્યું હતું કે એક નબળો કૂતરો મોટેથી ભસે છે.
આત્મહત્યાનો પ્રયાસ
ડિસેમ્બર ૨૦૨૧માં મીટિંગ પછી સાતોમી ડિપ્રેશનમાં જતી રહી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં તેને ડિપ્રેશન હોવાનું નિદાન થયું અને તેણે કામ પરથી રજા લીધી હતી. ઑગસ્ટ ૨૦૨૨માં સાતોમીએ પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસથી તે બેભાન થઈ ગઈ હતી અને કોમામાં સરી પડી હતી. ઉપચાર દરમ્યાન ઑક્ટોબર ૨૦૨૩માં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.
માતા-પિતાએ કંપની પર દાવો માંડ્યો
સાતોમીના મૃત્યુના ચાર મહિના પહેલાં જુલાઈ ૨૦૨૩માં તેનાં માતાપિતાએ કંપની અને તેના પ્રેસિડન્ટ પર વળતરની માગણી કરીને દાવો કર્યો હતો. મે ૨૦૨૪માં કરવામાં આવેલી તપાસમાં પ્રેસિડન્ટ દ્વારા દુર્વ્યવહાર, સાતોમીની હતાશા અને તેના મૃત્યુ વચ્ચે એક કારણભૂત કડીને માન્યતા આપવામાં આવી હતી અને એથી તેના મૃત્યુને કાર્યસંબંધિત અકસ્માત તરીકે વર્ગીકૃત કરવાની મંજૂરી આપી હતી.
કોર્ટનો ચુકાદો
ટોક્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૯ સપ્ટેમ્બરે ચુકાદામાં કહ્યું હતું કે ડી-યુપીએ સ્વીકારવું જોઈએ કે તેના પ્રેસિડન્ટ તરફથી થતી હેરાનગતિને કારણે સાતોમીનું મૃત્યુ થયું હતું. કોર્ટે પ્રેસિડન્ટને રાજીનામું આપવા જણાવ્યું હતું. મિત્સુરુ સકાઈએ બુધવારે રાજીનામું આપ્યું હતું. કંપનીની વેબસાઇટ પર એક નિવેદનમાં કંપનીએ સાતોમીના પરિવારની માફી માગી હતી અને લખ્યું હતું કે અમે અમારા ભૂતપૂર્વ કર્મચારી અને તેના પરિવારની માફી માગીએ છીએ. અમે અમારી આંતરિક સિસ્ટમો અને કાર્યસ્થળના વાતાવરણની સમીક્ષા કરવા અને સુધારવા માટે કામ કરીશું.