10 February, 2026 10:14 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
સનાઈ તાકાઇચી
જપાનના વડા પ્રધાન સનાઈ તાકાઇચીના નેતૃત્વ હેઠળના સત્તારૂઢ ગઠબંધને સંસદીય ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ ગઠબંધને જપાનના ૪૬૫ સભ્યોના નીચલા ગૃહમાં ૩૫૨ બેઠકો જીતી બેતૃતીયાંશ બહુમતી મેળવીને રેકૉર્ડ કર્યો છે. માત્ર તાકાઇચીની લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી (LDP)એ ૪૬૫માંથી ૩૧૬ બેઠકો જીતી લીધી છે, જે ૨૩૩ બેઠકોની બહુમતીથી ઘણી વધારે છે. ૧૯૫૫માં પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આ એક રેકૉર્ડ છે. એ ૧૯૮૬માં સ્વર્ગસ્થ વડા પ્રધાન યાસુહિરો નાકાસોને જીતેલી ૩૦૦ બેઠકોના અગાઉના આંકડાને પણ વટાવી ગયો છે.
જપાની મીડિયા અનુસાર તેમણે આ જીત તેમની લોકપ્રિયતાને કારણે મેળવી છે. તેમની જંગી જીત બાદ એક જાહેર મુલાકાતમાં તાકાઇચીએ કહ્યું હતું કે તેઓ હવે એવી નીતિઓ અપનાવવા તૈયાર છે જે જપાનને મજબૂત અને સમૃદ્ધ બનાવશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાકાઇચીને અભિનંદન આપતાં એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘સનાઈ તાકાઇચી, સંસદની ચૂંટણીમાં તમારી ઐતિહાસિક જીત બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ આપણે ભારત-જપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.’