15 May, 2025 08:31 AM IST | Balochistan | Gujarati Mid-day Correspondent
કશિશ ચૌધરી
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પચીસ વર્ષની હિન્દુ યુવતી કશિશ ચૌધરીએ અસિસ્ટન્ટ કમિશનર પદ પર નિયુક્ત થઈને ઇતિહાસ રચ્યો છે. તે બલૂચિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા તેમ જ લઘુમતી સમુદાયની પ્રથમ મહિલા છે જેને આ પદ પર નિયુક્ત કરવામાં આવી છે. તેની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે બલૂચિસ્તાનમાં અલગતાવાદી સશસ્ત્ર ચળવળ વેગ પકડી રહી છે.
કશિશ ચૌધરી અને તેના પિતા ગિરધારીલાલ સોમવારે ક્વેટામાં બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીને મળ્યા હતા. સરફરાઝ બુગતીએ કશિશની સફળતાને દેશ માટે ગર્વની વાત ગણાવીને કહ્યું હતું કે કશિશ દેશ અને બલૂચિસ્તાન માટે ગૌરવનું પ્રતીક છે.
આ મુલાકાત દરમ્યાન કશિશે કહ્યું હતું કે હું મહિલાઓ અને લઘુમતીઓના સશક્તીકરણ અને પ્રાંતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશ. મીડિયા સાથે વાત કરતાં ગિરધારીલાલે કહ્યું હતું કે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મારી દીકરી તેની મહેનત અને પ્રતિબદ્ધતાને કારણે અસિસ્ટન્ટ કમિશનર બની છે. તે હંમેશાંથી ભણવાનું અને મહિલાઓ માટે કંઈક કરવાનું સપનું જોતી હતી.
કોણ છે કશિશ ચૌધરી?
કશિશ ચૌધરી બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લાના એક દૂરના શહેર નોશકીની રહેવાસી છે. તેણે બલૂચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષા પાસ કરી છે. કશિશ ચૌધરીના પિતા એક મધ્યમ વર્ગના ઉદ્યોગપતિ છે. કશિશે ત્રણ વર્ષની તૈયારી પછી BPSC પરીક્ષા પાસ કરી હતી.