કેન્યામાં ૪૩ મહિલાની હત્યા કરનારો ૩૩ વર્ષનો સિરિયલ કિલર ઝડપાયો

22 July, 2024 08:20 AM IST  |  Nairobi | Gujarati Mid-day Correspondent

મહિલાઓને ઘરે બોલાવીને મારી નાખતો અને શબના ટુકડા કરીને પોલીસ-સ્ટેશનની પાછળના સ્ક્રૅપયાર્ડમાં ફેંકી દેતો

સિરિયલ કિલર કોલિન્સ જુમૈસી ખલૂશા

કેન્યામાં હાલમાં રાજકીય ઊથલપાથલ ચાલી રહી છે એવા સમયે ૩૩ વર્ષનો એક મનોરોગી અને વૅમ્પાયર સિરિયલ કિલર કોલિન્સ જુમૈસી ખલૂશા ઝડપાયો છે જેણે ૨૦૨૨થી આજ સુધીમાં તેની પત્ની સહિત આશરે ૪૨ મહિલાઓની તેના ઘરમાં ઠંડા કલેજે હત્યા કરી હતી અને તેમના મૃતદેહોને કાપીને અને નાયલૉનની ગૂણીઓમાં ભરીને પોલીસ-સ્ટેશનની પાછળના સ્ક્રૅપયાર્ડમાં ફેંકી દીધા હતા.

તેના ઘરેથી શું મળ્યું?

કેન્યાની રાજધાની નાઇરોબીમાં સિરિયલ કિલરના ઘરમાંથી પોલીસને ઘણા મોબાઇલ ફોન, આઇડેન્ટિટી કાર્ડ, ચાકુ, ઇન્ડસ્ટ્રિયલ ગ્લવ્ઝ, સેલોટેપ્સના રોલ અને નાયલૉનની ગૂણીઓ મળી આવ્યાં હતાં. શબોને તે આ ગૂણીઓમાં ભરતો હતો. આ બધી ચીજો આ હત્યાઓને પૂર્વનિયોજિત અને સિરિયલ કિલર હોવા તરફ દોરી જાય છે.

કેન્યાનો ટેડ બંડી

પોલીસે ખલૂસાને એવો સિરિયલ કિલર ગણાવ્યો છે જેને માનવજીવન પ્રતિ કોઈ લગાવ નથી. તેને મહિલાઓ પ્રતિ ઘૃણા છે. ઘણા લોકો તેને કેન્યાનો ટેડ બંડી કહેવા લાગ્યા છે.

કેવી રીતે ખબર પડી?

નાઇરોબીના મુકુરુ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલા જૂના અને વપરાશમાં નહીં લેવામાં આવતા સ્ક્રૅપયાર્ડમાંથી નવ મહિલાઓનાં ક્ષત-વિક્ષત અંગો મળી આવતાં આ ઘટનાની જાણકારી બહાર આવી હતી. તપાસમાં ખબર પડી કે નજીકમાં રહેતો એક માણસ મહિલાઓને ફોસલાવીને ઘરે બોલાવતો અને તેમની હત્યા કરતો. થોડા દિવસની તપાસ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેણે ગુનો કબૂલી લીધો હતો.

કેસ કેવી રીતે બહાર આવ્યો?

૨૬ વર્ષની હેરબ્રેડર જોસેફિન ઓવિનો એક દિવસ ગુમ થઈ. તેની બહેને તેને શોધવાની શરૂઆત કરી. તે તપાસ કરતી-કરતી સ્થાનિક લોકો સાથે એ સ્ક્રૅપયાર્ડમાં પહોંચી જ્યાંથી તેને નાયલૉનની એક ગૂણીમાં એક આખો મૃતદેહ અને અનેક ગૂણીઓમાં મહિલાઓનાં ક્ષત-વિક્ષત અંગો મળી આવ્યાં હતાં.

પોલીસ પર સવાલ

લોકો હવે પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે જ્યાં આ મૃતદેહો ફેંકવામાં આવ્યા છે એ સ્ક્રૅપયાર્ડ પોલીસ-સ્ટેશનની પાસે જ છે. આમ પોલીસની સામે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. બીજી તરફ કેન્યામાં ટૅક્સમાં વધારો, સરકારી ભ્રષ્ટાચારનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આ મુદ્દેથી લોકોનું ધ્યાન હટાવવા સરકાર ખલૂશાનો ઉપયોગ કરી રહી છે. તેના વકીલે પણ કોર્ટમાં તેની સાથે દુર્વ્યવહાર થતો હોવાનું અને ગુનો જબરદસ્તીથી કબૂલ કરાવવાનો આરોપ લગાવ્યો છે.

kenya Crime News international news world news