✕

ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો

14 October, 2026 03:59 PM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

સર્વે ઑફ ઇન્ડિયાના નકશામાં લદ્દાખનાં ૨૮ સ્થળોને સત્તાવાર નામ આપવા વિશે ચીનને નોંધાવેલા વિરોધનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો

સમિયા મલિક

ઑસ્ટ્રેલિયાના ઍડીલેડમાં રસ્તાની વચ્ચે નમાજ પઢી રહેલી ૨૦ વર્ષની એક પાકિસ્તાની મહિલા સમિયા મલિકને કારથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારનારો યુવાન ડ્રાઇવર એશ્ટન ફ્રેન્ડ જેલની સજાથી બચી ગયો છે. બચાવપક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેને ખ્યાલ નહોતો કે રસ્તા પર કોઈ વસ્તુ છે. તેણે એક અવાજ સાંભળ્યો, તેને લાગ્યું કે એ કોઈ પ્રાણી અથવા એવું જ કંઈક હશે.
૨૦૨૫ની ૬ મેએ રાત્રે એશ્ટન ફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડના ઘરેથી કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તા વચ્ચે બેસેલી સમિયા મલિકને ટક્કર મારી હતી. તેણે બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને અકસ્માત સ્થળ પરથી ભાગી જવાના આરોપોમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જજ બાર્નેટે કાર ચલાવી રહેલા ડ્રાઇવર એશ્ટન ફ્રેન્ડને ૮ મહિનાના બિન-પરોલ સમયગાળા સાથે એક વર્ષ ત્રણ મહિના અને ૨૯ દિવસની સસ્પેન્ડેડ મુદતની સજા સંભળાવી હતી.
રાત્રે ૨૦ વર્ષની સમિયા મલિક શા માટે રસ્તા પર હતી એ વિશે કોઈ ચોક્કસ ખુલાસો મળ્યો નથી. 

ચીનને ભારતનો ચોખ્ખો જવાબ : લદ્દાખ અમારું અભિન્ન અંગ

મંગળવારે ભારતે ચીનના એ દાવાને સખત શબ્દોમાં ફગાવી દીધો હતો કે ચીને ક્યારેય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને માન્યતા આપી નથી. નવી દિલ્હીએ લદ્દાખનાં ૨૮ સ્થળોને આપેલાં નામના ચીનના વિરોધ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે લદ્દાખ ભારતનો અતૂટ હિસ્સો છે અને ચીનનાં આવાં નિવેદનોથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી.

વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ચીનના નિવેદન વિશે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ચીન ભલે ગમે એટલો ઇનકાર કરે, પરંતુ આ સ્થાપિત હકીકત બદલી શકાશે નહીં. ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ભારતની આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી જેના જવાબમાં ભારતે આ આકરી પ્રતિક્રિયા આપી હતી. 

ઉલ્લેખનીય છે કે બીજી ઑક્ટોબરે હોમ મિનિસ્ટ્રીએ લદ્દાખનાં ૧૦ શિખરો, બે પાસ, ત્રણ પર્વતો અને અન્ય સ્થળો મળીને કુલ ૨૮ ભૌગોલિક સ્થળોને ‘સર્વે ઑફ ઇન્ડિયા’ના સત્તાવાર નકશા પર પ્રમાણિત નામો સાથે સામેલ કર્યાં છે. અગાઉ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીન સાથે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતનો આ નિર્ણય ચીનની વિસ્તારવાદી નીતિઓને સચોટ જવાબ છે. 

સાઉદી અરેબિયાએ વૉર-ગેમ બદલીને સના પર ભીષણ સ્ટ્રાઇક કરી ૯૫૦ હુતી માર્યા ગયા

યમનની સરકારી સેનાએ હુતી વિદ્રોહીઓના ગઢમાં ઘૂસીને ઑઇલ ફેસિલિટી પર નિશાન સાધતાં હુતીઓએ વળતા પ્રહારની ધમકી આપી

સાઉદી અરેબિયાના સમર્થનવાળી યમનની સરકારી સેનાએ હુતી વિદ્રોહીઓના ગઢ સના પર મિસાઇલથી ભીષણ હુમલો કરીને યુદ્ધની આખી વૉર-ગેમ સંપૂર્ણપણે બદલી નાખી હતી. તાજેતરમાં પાંચ ઑક્ટોબરે શરૂ થયેલા ઑપરેશન ડૉન ઑફ યમન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦ હુતી લડવૈયાઓ માર્યા ગયા છે. તેમનાં ૩૮૦ લશ્કરી વાહનો નાશ પામ્યાં હતાં. સેનાએ સના શહેરમાં આવેલી ઑઇલ ફેસિલિટી પર મોટો હુમલો કર્યો હતો જેના વિશે સ્થાનિક નાગરિકોને અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવી હતી. 
આ ભયાનક હુમલા બાદ રોષે ભરાયેલા હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર અત્યંત આકરો વળતો પ્રહાર કરવાની મોટી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો આ યુદ્ધ રોકવામાં નહીં આવે તો તેઓ સાઉદી અરેબિયાની તમામ ઑઇલ કંપનીઓનો સંપૂર્ણ નાશ કરી દેશે. 
આ ધમકી વચ્ચે રિયાધની ઉપર આકાશમાં ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યાં હતાં. ઈરાન સમર્થિત હુતીઓએ વર્ષ ૨૦૧૪માં સના પર કબજો કર્યો હતો ત્યારથી સંઘર્ષ સતત ચાલુ છે. યમનની સરકાર હવે પોતાનો ગુમાવેલો તમામ વિસ્તાર પાછો મેળવવા માટે અત્યંત આક્રમક બની છે અને લાલ સમુદ્ર તેમ જ એડનની ખાડી વચ્ચેના દરિયાઈમાર્ગ પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે જેનાથી સમગ્ર વિસ્તારમાં તનાવ મોટા પ્રમાણમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે એવું દેખાય છે. 

flydubaiના ક્રૂ-મેમ્બરોએ ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો : ફ્લાઇટના પૅસેન્જરનો ચોંકાવનારો દાવો

flydubaiની દુબઈથી તેલ અવીવ જતી ૩૦ સપ્ટેમ્બરની ફ્લાઇટના એક મુસાફરે દાવો કર્યો હતો કે flydubaiના ક્રૂ-મેમ્બરોએ ઓમાની પાઇલટ હમામ અલ-હમ્મામીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. flydubaiની ફ્લાઇટમાં ઓમાની પાઇલટ હમામ અલ-હમ્મામીએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ફ્લાઇટના એક મુસાફર અસફ રાજુઆને દાવો કર્યો હતો કે એક ફ્લાઇટ-અટેન્ડન્ટે અલ-હમ્મામીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેણે બાંધીને રાખવામાં આવેલા હમ્મામીને છોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને યાદ કરતાં રાજુઆને કહ્યું હતું કે ‘અમે તેની સાથે ઝઘડો જ કરી લીધો હતો. અમે તેને કહ્યું હતું કે તું આ શું કરી રહ્યો છે? અમે પાગલ થઈ ગયા હતા; અમે લગભગ તેના પર કૂદી પડ્યા હતા.’
બીજી તરફ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘બીજા ક્રૂ-મેમ્બરો પૅસેન્જરોને વિડિયો શૂટિંગ કરવાની ના પાડતા હતા. એ સમયે વિમાનમાં એવું ભયનું વાતાવરણ હતું કે બીજી વ્યક્તિ પાસે શસ્ત્રો હોય એવો ભાસ થતો હતો. અમે બધા ડરી ગયા હતા.’

ફ્રાન્સની સુપરમાર્કેટોમાં ગજબ સાઇબર અટૅક

ફ્રિજ અને ફ્રીઝરનું તાપમાન હૅકરોએ ૫૦ ડિગ્રી કરી નાખ્યું એને પગલે અનાજ અને ખાદ્યપદાર્થો બગડી ગયાં

ફ્રાન્સનાં અસંખ્ય સુપરમાર્કેટમાં સોમવારે રાત્રે એક અત્યંત ગંભીર સાઇબર હુમલો થયો હતો જેના કારણે અનાજ અને તાજાં ઉત્પાદનો બગડી ગયાં છે. હૅકર્સે કૅર સુપરમાર્કેટોની રેફ્રિજરેશન સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલાને કારણે રાતોરાત ફ્રિજ અને ડીપ ફ્રીઝરનું તાપમાન અચાનક વધીને ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ ભયાનક ઓવરહીટિંગના કારણે અંદર રહેલું તમામ અનાજ તેમ જ અન્ય ખાદ્યપદાર્થો સંપૂર્ણપણે બગડી ગયાં હતાં. આ હુમલામાં અનેક જગ્યાએ ઓવરહીટિંગના કારણે ભારે ધુમાડો થતાં આગ પણ લાગી હતી. આ હુમલામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થયો હોવાની આશંકા છે. નિષ્ણાતોના મતે હવે AI સાઇબર હુમલા સતત વધી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને કારણે સુપરમાર્કેટ ચેઇનને કરોડો રૂપિયાનું નુકસાન થવાની દહેશત છે. 

અમેરિકામાં રેચલ નામના તોફાને સેંકડો મકાનો તબાહ કર્યાં

દરિયાનાં પાણી શહેરમાં ઘૂસી ગયાં એને પગલે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં અથવા તો જોખમી બન્યાં

અમેરિકાના દક્ષિણ કૅલિફૉર્નિયાના વિસ્તારોમાં ૧૦ અને ૧૧ ઑક્ટોબરે આવેલા ટ્રૉપિકલ સ્ટૉર્મ રેચેલને કારણે પ્રશાંત મહાસાગરમાં ઊઠેલાં રાક્ષસી મોજાંઓએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દરિયાનું પાણી સીધું લોકોનાં ઘરો અને રસ્તાઓ સુધી પહોંચી ગયું હતું. તોફાની મોજાંઓ પોતાની સાથે ઘર નીચેની રેતી તાણી જતાં અનેક મકાનોના પાયા નબળા પડી ગયા હતા. 
દરિયાકાંઠાના ધોવાણને કારણે આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એટલાં જોખમી થઈ ગયાં હતાં. લૉન્ગ બીચ વિસ્તારમાં સુરક્ષા દીવાલ તોડીને પાણી ઘરમાં ઘૂસી જતાં ૮ બિલ્ડિંગોને રહેવા માટે સંપૂર્ણ અસુરક્ષિત જાહેર કરી દેવાયાં હતાં. આ ઉપરાંત ન્યુ પોર્ટ બીચના રસ્તાઓ પર પણ દરિયાનાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઑરેન્જ કાઉન્ટીના એક પાર્કમાં દરિયાકાંઠે આવેલાં ૨૬ જેટલાં કૉટેજ ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

australia road accident ladakh china international news united states of america oman dubai saudi arabia adelaide