રશિયાના અટૅકમાં યુક્રેનના કીવ ઍરપોર્ટમાં આગ

05 July, 2025 01:04 PM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન ફરી રહેલા વિડિયોમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા

રશિયાના અટૅકમાં યુક્રેનના કીવ ઍરપોર્ટમાં આગ

રશિયાએ ગઈ કાલે યુક્રેન પર કરેલા ડ્રોન-હુમલા પછી કીવ ઍરપોર્ટમાં આગ લાગી હોય એવા અહેવાલો છે. આ સંદર્ભમાં એક કથિત ક્લિપ ઑનલાઇન સામે આવી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે રશિયાએ કીવ પર રાતોરાત ડ્રોન-હુમલો કર્યા પછી કીવ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટમાં આગ લાગી હતી જેમાં ૨૩ લોકો ઘાયલ થયા હતા. સોશ્યલ મીડિયા પર ફરતા એક વિડિયોમાં રાતે આકાશમાં ગાઢ ધુમાડા સાથે મોટી આગ દેખાઈ હતી.

બીજી તરફ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી, પણ યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં કોઈ પ્રગતિ થઈ નથી. બીજી તરફ રશિયાએ પુનરુચ્ચાર કર્યો હતો કે એ સંઘર્ષનાં મૂળ કારણો ઉકેલવા માટે યુદ્ધ ચાલુ રાખશે.

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે રશિયન દળોએ કીવ પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ-હુમલો કર્યો હતો, જેમાં રહેણાક વિસ્તારોને નુકસાન થયું હતું અને શહેરના અનેક ભાગોમાં આગ લાગી હતી. આ હુમલો સૌથી તીવ્ર હુમલાઓમાંનો એક છે જે છ કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો.

russia ukraine airlines news international news news world news