પાકિસ્તાનમાં ઇસ્લામપુરા હવે ક્રિષનનગર, બાબરી મસ્જિદ ચોક હવે જૈન મંદિર ચૌક, મુસ્તફાબાદ હવે ધરમપુરા

20 May, 2026 11:01 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

લાહોરની જૂની ઓળખને પ્રસ્થાપિત કરવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનો છે.

છેલ્લા બે મહિનામાં ૯ જગ્યાઓનાં મુસ્લિમ નામ બદલીને જૂનાં હિન્દુ નામ રાખવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના લાહોરમાં ૮ દશક બાદ વિભાજન પહેલાંના ઇતિહાસની ઝલકનું પુનરાગમન થઈ રહ્યું છે અને પાકિસ્તાન સરકારે શહેરના ઘણા વિસ્તારો, રોડ અને ચોકનાં જૂનાં નામને ફરી રાખવાનો નિર્ણય લીધો છે. વિભાજન પહેલાં જે હિન્દુ, સિખ, જૈન અને અન્ય નામ રાખવામાં આવ્યાં હતાં એ ફરી આપવામાં આવી રહ્યાં છે. આ પહેલ હેઠળ ઇસ્લામપુરા હવે ક્રિષનનગર બન્યું છે. સુન્નતનગરનું નવું નામ સંતનગર છે અને બાબરી મસ્જિદ ચોકને બદલે જૈન મંદિર ચોક નામ આપવામાં આવ્યું છે. મુસ્તફાબાદને ધર્મપુરા નામ આપવામાં આવ્યું છે.

છેલ્લા બે મહિનામાં ૯ જગ્યાઓનાં મુસ્લિમ નામ બદલીને જૂનાં હિન્દુ નામ રાખવામાં આવ્યાં છે. મૌલાના ઝફર અલી ખાન ચોકને લક્ષ્મી ચોક, મસ્જિદ ચોકને જૈન મંદિર ચોક, સર આગા ખાન ચોકને ડેવિસ રોડ, ફાતિમા જિન્ના રોડ હવે ક્વીન્સ રોડ અને બાગ-એ-જિન્ના હવે લૉરેન્સ ચોક તરીકે ઓળખાશે. પંજાબ પ્રાંતનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ નામની આ પહેલ શરૂ કરી છે. આ હેઠળ લાહોરનાં જૂનાં નામોને એમનાં મૂળ હિન્દુ નામો પર રાખવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

લાહોરમાં ઘણાં સ્થળોનાં નામ હિન્દુ હતાં, પણ ૧૯૯૦માં ભારતમાં બાબરી મસ્જિદના ઢાંચાને પાડી નાખવામાં આવ્યા બાદ આ સ્થળોનાં નામ મુસ્લિમ રાખવામાં આવ્યાં હતાં. એ સમયે પાકિસ્તાનમાં નવાઝ શરીફ, બેનઝીર ભુત્તો અને પરવેઝ મુશરફની સરકારો હતી.

પચાસ અબજ પાકિસ્તાની રૂપિયાનો પ્રોજેક્ટ

લાહોરની જૂની ઓળખને પ્રસ્થાપિત કરવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનો છે. દાયકાઓથી ઇસ્લામીકરણથી ઘેરાયેલા દેશમાં લગભગ કોઈ વિરોધ વિના ફેરફારો થયા છે. નામ બદલવાની ઝુંબેશ લાહોર ઑથોરિટી ફૉર હેરિટેજ રિવાઇવલ (LAHR) તરીકે ઓળખાતી ઘણી મોટી શહેરી સંરક્ષણ-ઝુંબેશનો એક ભાગ છે જે દાયકાઓની ઉપેક્ષા, આડેધડ શહેરીકરણ અને વૈચારિક પુનર્લેખન પછી શહેરના સ્થાપત્ય અને સાંસ્કૃતિક માળખાને પુનઃ સ્થાપિત કરવા માટે આશરે પચાસ અબજ પાકિસ્તાની રૂપિયાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. એની શરૂઆત પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે ૨૦૨૫માં કરી હતી.

લાહોરમાં ઓછામાં ઓછાં ૧૧૫ બિલ્ડિંગો છે જેમને હેરિટેજ સાઇટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. ઓળખાયેલાં ૭૫ બ્રિટિશ યુગનાં બિલ્ડિંગોમાંથી ૪૮ બિલ્ડિંગો પર પુનઃ સ્થાપનકાર્ય હાલમાં ચાલી રહ્યું છે. શરીફના નેતૃત્વ હેઠળની સ્ટીઅરિંગ કમિટીની સાથે આ પહેલની દેખરેખ માટે સંબંધિત સરકારી અધિકારીઓની બનેલી એક અલગ પેટા-સમિતિની પણ રચના કરવામાં આવી છે.    

international news world news pakistan lahore hinduism