અત્યાર સુધીની સૌથી મોટી ડેટા-ચોરી: ૧૬ અબજ અકાઉન્ટ્સના પાસવર્ડ ચોરાયા

21 June, 2025 08:04 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તપાસટીમને ૩૦ અલગ-અલગ ડેટા-ડમ્પ મળ્યા છે જેમાં દરેકમાં લાખોથી લઈને ૩.૫ અબજથી વધુ રેકૉર્ડ છે

પ્રતીકાત્મક તસવીર

સાઇબર સિક્યૉરિટીને લગતા રિસર્ચરોએ તાજેતરમાં મુખ્ય ઑનલા​ઇન પ્લૅટફૉર્મ્સ પરથી ૧૬ અબજ અકાઉન્ટ્સના પાસવર્ડ ચોરાયા હોવાનો પર્દાફાશ કર્યો છે.

તપાસટીમને ૩૦ અલગ-અલગ ડેટા-ડમ્પ મળ્યા છે જેમાં દરેકમાં લાખોથી લઈને ૩.૫ અબજથી વધુ રેકૉર્ડ છે. કુલ મળીને ચોરી થયેલા રેકૉર્ડની સંખ્યા હવે ૧૬ અબજ સુધી પહોંચી ગઈ છે.

સૉફ્ટવેર માલવેરથી ઇન્ફેક્ટેડ ઉપકરણોમાંથી યુઝરનેમ, પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ ડેટા એકત્રિત કરવામાં આવ્યા હોવાની આશંકા છે. લીક થયેલાં ઓળખપત્રોમાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ, VPN, ડેવલપર ટૂલ્સ અને ઍપલ, ગૂગલ, ફેસબુક, ગિટહબ, ટેલિગ્રામ અને સરકારી પોર્ટલ સહિતની મુખ્ય ઑનલાઇન સેવાઓની લૉગ-ઇન માહિતીનો સમાવેશ થાય છે.

મોટા ભાગની ચોરાયેલી માહિતી સરળ URL લિન્ક્સ તરીકે ફૉર્મેટ કરવામાં આવે છે અને ત્યાર બાદ યુઝરનેમ અને પાસવર્ડ આવે છે. જો તમે ક્યારેય ઑનલાઇન કંઈ પણ લૉગ-ઇન કર્યું હોય તો તમારી માહિતી આ લીકમાં હોઈ શકે છે. રિસર્ચરોએ ચેતવણી આપી હતી કે આ ફક્ત લીક નથી, એ સામૂહિક શોષણ માટે એક બ્લુપ્રિન્ટ છે.

મજબૂત પાસવર્ડ રાખો

આવી ડેટા-ચોરીથી કેવી રીતે બચવું જોઈએ એ મુદ્દે રિસર્ચરોએ જણાવ્યું હતું કે પ્રથમ અને મુખ્ય ફરજ એ છે કે મજબૂત અને અનન્ય પાસવર્ડ પસંદ કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં મલ્ટિ-ફૅક્ટર ઑથેન્ટિફિકેશન લાગુ કરવું જોઈએ.

cyber crime international news news technology news tech news