15 April, 2025 11:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અંતરીક્ષમાં જનારી ઑલ-વિમેન ક્રૂ અને તેમને લઈ જતું ન્યુ શેપર્ડ રૉકેટ
ઍમૅઝૉનના સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને ગઈ કાલે ઇતિહાસ રચ્યો હતો. જેફ બેઝોસ જેની સાથે લગ્ન કરવાના છે તે લૉરેન સાંચેઝે એક ઑલ ફીમેલ સેલિબ્રિટી ક્રૂ સાથે અંતરીક્ષનો પ્રવાસ ખેડ્યો હતો. આ ક્રૂમાં જગવિખ્યાત ગાયિકા કૅટી પેરી, ફિલ્મનિર્માતા કૅરિઆન ફ્લાયન, પત્રકાર ગેલ કિંગ, વૈજ્ઞાનિક અમાન્ડા ન્ગ્યુએન અને નાસાના ભૂતપૂર્વ રૉકેટ-વૈજ્ઞાનિક આઇશા બોવેનો સમાવેશ છે. આ રૉકેટ પૃથ્વીની સપાટીથી મહત્તમ ૩,૪૫,૦૦૦ ફુટ એટલે કે ૧૦૫ કિલોમીટર ઉપર સુધી ગયું હતું.
આ ઉડ્ડયન અંતરીક્ષ પર્યટનની નવી લહેરનો હિસ્સો છે જેમાં અમીર અને મશહૂર લોકો આસાનીથી અંતરીક્ષનો પ્રવાસ કરી શકે છે. બ્લુ ઓરિજિનનું ન્યુ શેપર્ડ રૉકેટ વેસ્ટ ટેક્સસથી ઊપડ્યું અને ૧૦૫ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું એને પગલે એમાં બેઠેલા ક્રૂને વજનરહિત એટલે કે ગુરુત્વાકર્ષણ વગરની અવસ્થાનો અનુભવ કરવા મળ્યો હતો. ૧૪ મિનિટની આ ઉડાન સંપૂર્ણ રીતે સ્વચાલિત હતી.
અંતરીક્ષના ૬૪ વર્ષના ઇતિહાસમાં બીજી વાર ઑલ મહિલા ક્રૂ અંતરીક્ષમાં પહોંચી હતી. આ પહેલાં ૧૯૬૩માં સોવિયેટ રશિયાની કૉસ્મોનૉટ વેલેન્ટિના તેરેશકોવા એકલી અંતરીક્ષમાં ગઈ હતી.