અમેરિકાએ કરાવી હતી સત્તામાંથી હકાલપટ્ટી ઇમરાન ખાનની, સીક્રેટ સંદેશાએ કર્યો પર્દાફાશ

19 May, 2026 11:09 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં ઇમરાન ખાને જે દાવો કર્યો હતો એ ૧૦૦ ટકા સાચો સાબિત થયો : ઇમરાન ખાનની રશિયાની મુલાકાતથી અમેરિકા નારાજ હતું, રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાનની ન્યુટ્રલ ભૂમિકા અમેરિકાને જરાય પસંદ નહોતી

ઈમરાન ખાન

અમેરિકાએ પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પડાવી હતી એવું લીક થયેલા રાજદ્વારી કેબલમાં જાણવા મળ્યું છે. ઇમરાન ખાને પણ ત્યારે દાવો કર્યો હતો કે તેમની સરકાર તોડી પાડવા પાછળ વિદેશી તાકાતોનો હાથ છે, જે ૧૦૦ ટકા સાચો પડ્યો છે. ઇન્વેસ્ટિગેટિવ મીડિયા આઉટલેટ ‘ડ્રૉપ સાઇટ’એ ‘સાઇફર’ તરીકે ઓળખાતો મૂળ દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે. આ દસ્તાવેજ દર્શાવે છે કે ઇમરાન ખાનનો દાવો ૧૦૦ ટકા સાચો હતો. ‘કેબલ I-0678’ તરીકે ઓળખાતા આ દસ્તાવેજમાં વૉશિંગ્ટનમાં પાકિસ્તાનના તત્કાલીન રાજદૂત અસદ મજીદ ખાન અને અમેરિકાના વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારી ડોનલ્ડ લુ વચ્ચેની બેઠકની વિગતો આપવામાં આવી છે. આ બે જણની મુલાકાત એપ્રિલ ૨૦૨૨માં ઇમરાન ખાન અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયા એ પહેલાં થઈ હતી. અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવેલા તેઓ પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન બન્યા હતા અને એક વર્ષ બાદ તેમને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ જેલમાં બંધ છે.

અમેરિકાને ઇમરાન ખાનની સ્વતંત્ર વિદેશનીતિ પસંદ નહોતી. તેમણે રશિયા અને ચીન સામે અમેરિકાનો સીધો સાથ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જોકે એ સમયે અમેરિકાએ આવા આરોપોનો ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે આ આરોપોમાં કોઈ સચ્ચાઈ નથી. ઇમરાન ખાનને સત્તામાંથી હટાવ્યા બાદ પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનીરે સત્તા સંભાળી હતી અને ફીલ્ડ માર્શલના પદ સુધી પહોંચ્યા છે. 

બધું માફ કરવામાં આવશે

સાઇફર મુજબ ડોનલ્ડ લુએ તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાનને કહ્યું હતું કે મને લાગે છે કે જો વડા પ્રધાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થાય છે તો વૉશિંગ્ટનમાં ‘બધું માફ કરવામાં આવશે’, પરંતુ જો એ સફળ નહીં થાય તો પાકિસ્તાન માટે આગળનો રસ્તો અત્યંત મુશ્કેલ બનશે. હવે આ All will be forgiven વાક્ય સૌથી વધારે ચર્ચામાં છે.

રશિયાની મુલાકાતથી નારાજ

હકીકતમાં અમેરિકા ઇમરાન ખાનની રશિયાની મુલાકાતથી નારાજ હતું, કારણ કે રશિયાએ એ જ સમયે અમેરિકા પર હુમલો કર્યો હતો. વધુમાં ઇમરાન ખાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચાયા પછી પાકિસ્તાનમાં અમેરિકાને મિલિટરી બેઝ આપવાનો ઇનકાર કર્યો હતો. આનાથી પણ અમેરિકા ગુસ્સે થયું. વધુમાં આ દસ્તાવેજમાં ડોનલ્ડ લુએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પાકિસ્તાનના તટસ્થ વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

international news world news united states of america imran khan pakistan russia political news