નવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં

27 November, 2021 10:15 AM IST  |  Brussels | Gujarati Mid-day Correspondent

અનેક દેશોએ આફ્રિકન દેશો સાથેની ફ્લાઇટ્સ પર બૅન મૂકી દીધો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા અત્યંત ચેપી વેરિઅન્ટના ન્યુઝ મળતાં જ સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે. આફ્રિકાના બોટ્સવાનામાં આ વેરિઅન્ટના કેસ આવ્યા બાદ અનેક દેશોએ આફ્રિકન દેશો સાથેના ઍર ટ્રાવેલનો પ્રવાસ અટકાવી દીધો છે. 
યુરોપમાં પહેલાંથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે આ નવા વેરિઅન્ટ વિશે જર્મનીના હેલ્થ મિનિસ્ટર જેન્સ સ્પાને કહ્યું હતું કે ‘આ બિલકુલ અનિચ્છનીય સમાચાર છે, જેનાથી વધુ સમસ્યા ઊભી થશે.’
ઇઝરાયલે શુક્રવારે આ નવા વેરિઅન્ટનો એક કેસ પોતાને ત્યાં નોંધાયો હોવાનું જાહેર કર્યું હતું. સંક્રમિત વ્યક્તિ મલાવીથી પાછી ફરી હતી. સિંગાપોરે આ નવા વેરિઅન્ટને લઈને સાત આફ્રિકન દેશો સાથેની ફ્લાઇટ્સ પર બૅન મૂક્યો છે. 
યુકેએ પણ જાહેર કર્યું છે કે એણે દ​ક્ષિણ આફ્રિકા અને અન્ય પાંચ આફ્રિકન દેશો સાથેની ફ્લાઇટ્સ પર બૅન મૂક્યો છે. આ દેશોમાંથી તાજેતરમાં આવનારી વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવશે. 
જર્મનીએ પણ શુક્રવારે રાતથી ફ્લાઇટ્સ પર બૅન મૂકી દીધો હતો. સાઉથ આફ્રિકાથી જર્મની આવતી અૅરલાઇન્સ હાલમાં જર્મન મુસાફરોને જ લાવી શકશે. 
ઇટલીએ સાઉથ આફ્રિકા, લેસોથો, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, મોઝમ્બિક્યુ, નામિબિયા અને ઇસ્વટિનીના લોકો માટે ઇટલીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 
દરમ્યાન આ નવા વેરિઅન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને શુક્રવારે સ્પેશ્યલ મીટિંગનું આયોજન કર્યું હતું. બી.૧.૧.૫૨૯ વેરિઅન્ટ વિશે ચર્ચા કરવા માટે કોરોનાના ઇવૉલ્યુશન પરના ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપે વર્ચ્યુઅલી મીટિંગ કરી હતી. 
ટોચના એક્સપર્ટ્સે એમ પણ જણાવ્યું કે આ વેરિઅન્ટ સામે રસી કેટલી અસરકારક છે એના વિશે થોડાં અઠવાડિયાં પછી જ જાણી શકાશે.

ભારત પણ અલર્ટ
નવા વેરિઅન્ટના ન્યુઝ મળતાં કેન્દ્રીય હેલ્થ મંત્રાલયે સાઉથ આફ્રિકા, બોટ્સવાના અને હૉન્ગકૉન્ગથી આવેલી વ્યક્તિઓની ટેસ્ટ કરવાનો તમામ રાજ્યોને આદેશ આપ્યો હતો, કેમ કે આ દેશોમાં આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે ‘આ વેરિઅન્ટનાં મ્યુટેશન્સનું પ્રમાણ નોંધપાત્ર વધારે હોવાને કારણે દેશમાં લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે, કેમ કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદો ખોલી નાખવામાં આવી છે.’ 
દરમ્યાન ઇન્ડિયન સાર્સ-સીઓવી-ટૂ જિનોમિક્સ કન્સોર્ટિયમ આ નવા વેરિઅન્ટને ટ્રૅક કરી રહ્યું છે. 

 

international news coronavirus