જપાનમાં પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે નહીં, ઢીંગલીઓ સાથે રહેવાનું પસંદ કરે છે પુરુષો

22 February, 2025 10:02 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનમાં એવી સ્થિતિ છે કે લોકો લગ્ન કરવાનું પસંદ કરતા નથી અને આખી જિંદગી ઢીંગલી સાથે વિતાવી દે છે

અહીં પુરુષો લોકો સાથે ભળવાને બદલે એકલા રહેવાનું પસંદ કરે છે

જપાનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને નવાઈની વાત એ છે કે અત્યારે જપાનમાં પુરુષો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે નહીં પણ ઢીંગલીઓ સાથે રહેવાનું પસંદ કરે છે. ટેક્નિકલ ક્ષેત્રમાં બહુ અગ્રગણ્ય જપાન ભાવનાત્મક રીતે ઘસાઈ ગયું છે. જપાનમાં અનેક લોકો એકલતાના શિકાર છે અને એ દૂર કરવા તેઓ લાઇફ-સાઇઝ ઢીંગલીઓ સાથે રહેવાનું પસંદ કરે છે. સોશ્યલ આઇસોલેશન એટલે કે સામાજિક રીતે એકલા રહેવાને જપાની ભાષામાં હિકિકોમોરી કહે છે. જે વ્યક્તિ છ મહિનાથી વધારે સાવ એકલી રહે અને કોઈ બીજી વ્યક્તિ સાથે ન મળે, ન વાત કરે તેને હિકિકોમોરી સિન્ડ્રૉમ છે એમ કહેવાય છે. જપાનમાં ઘણા પુરુષો લોકો સાથે ભળવાને બદલે એકલા રહેવાનું પસંદ કરે છે અને તેઓ પત્ની કે ગર્લફ્રેન્ડના સ્થાને ઢીંગલીનો સાથ પસંદ કરે છે. તેઓ ઢીંગલીઓને લઈને ફરવા જાય છે અને પાર્કમાં બેસીને આઇસક્રીમ ખાય છે. જપાનમાં એવી સ્થિતિ છે કે લોકો લગ્ન કરવાનું પસંદ કરતા નથી અને આખી જિંદગી ઢીંગલી સાથે વિતાવી દે છે. બીજી બાજુ જપાનમાં એકલતા એટલી હદ સુધી છે કે લોકો પાસે કોઈ તેમની સાથે વાત કરવા માટે પણ નથી એટલે આ કારણસર તેઓ ઢીંગલીઓ સાથે સમય વિતાવે છે. જપાનમાં નગોરો નામનું એક ગામ છે. ત્યાં રહેતા માણસોની સંખ્યા ૩૦૦થી ઘટીને ૨૭ થઈ ગઈ છે. હવે એક એવી અજબ પરિસ્થતિ છે કે ત્યાં ઢીંગલીઓ વધારે છે અને માણસો ઓછા. આ ગામમાં લગભગ ૩૦૦ ઢીંગલીઓ છે. બીજું એક ગામ છે ‘ધ હૅમ્લેટ ઑફ ઇચિનોનો’. ક્યોટો પાસે વસેલા આ ગામમાં માત્ર ૬૦ લોકો જ રહે છે અને તેઓ પોતાની એકલતા દૂર કરવા રૂથી ભરેલી લાઇફ-સાઇઝ મોટી ઢીંગલીઓ સાથે રહે છે. આ ગામોમાં સ્કૂલમાં, પાર્કમાં, રસ્તા પર, બેન્ચ પર હાથથી બનાવેલી લાઇફ-સાઇઝ જુદી-જુદી ઢીંગલીઓ ગોઠવેલી હોય છે જેથી એકલતા ન લાગે.        

japan offbeat news international news world news