22 November, 2025 08:40 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
મેક્સિકોની ફાતિમા બૉશ
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં આયોજિત ૭૪મી મિસ યુનિવર્સ સ્પર્ધા મેક્સિકોની ફાતિમા બૉશે જીતી લીધી હતી. ગયા વર્ષની મિસ યુનિવર્સ વિક્ટોરિયા થિલ્વિગે ફાતિમા બૉશને તાજ પહેરાવ્યો હતો.
આ વર્ષની મિસ યુનિવર્સ સ્પર્ધા વિવાદોથી ભરપૂર રહી હતી. સ્પર્ધાના એક જજે મિસ મેક્સિકોને ‘ડમ્બહેડ’ એટલે કે સ્ટુપિડ કે મૂરખ કહી હતી. કૅમેરા સામે આ થયું હોવાથી વિવાદ પણ થયો હતો. જોકે અંતે એ જ મેક્સિકોની સુંદરી ફાતિમા બૉશને મિસ યુનિવર્સનો તાજ મળ્યો હતો.
ફાતિમા બૉશ કોણ છે?
૨૫ વર્ષની ફાતિમા બૉશ પ્રાણીઓના કલ્યાણ માટે કરેલાં કામોથી જાણીતી છે. ડિસ્લેક્સિયા, અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD) અને હાઇપરઍક્ટિવિટીનું વહેલું નિદાન થયું હોવાથી તેણે ઘણી વાર કહ્યું છે કે આ અવરોધોએ મને વધુ સ્થિતિસ્થાપક બનવા માટે પ્રેરિત કરી હતી. તેણે મેક્સિકો સિટીમાં ફૅશન અને અપૅરલ ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો અને પછી ઇટલી ગઈ હતી. તેણે ૨૦૧૮માં તાબાસ્કોમાં ફ્લોર ડી ઓરો ખિતાબ જીત્યો હતો.