ઠંડા પવનોની વચ્ચે ધૂળની આંધીએ બગાડ્યું હવામાન

24 January, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાં પ્રસરેલા ધૂળના કણ સાથેના વરસાદથી કાર અને બીજી વસ્તુઓ પર સફેદ પાઉડર દેખાતાં લોકોમાં ગભરાટ : આજે પણ વરસાદની સાથે તાપમાન વધુ નીચે જવાની આગાહી

હવામાં પ્રસરેલી ધૂળ અને વરસાદને કારણે ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવું દૃશ્ય જોવા મળ્યું હતું

પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનના કરાચીમાં ઊઠેલી ધૂળની આંધીની અસર ગઈ કાલે મુંબઈના વાતાવરણમાં જોવા મળી હતી. સવારથી મુંબઈ અને આસપાસનાં શહેરોમાં આકાશ ધૂંધળું રહ્યું હોવાથી અમુક અંતર સુધી જ જોઈ શકાતું હતું. હવામાં ધૂળના કણ પ્રસરી ગયા હોવાની સાથે કેટલાંક સ્થળે પડેલા વરસાદને લીધે વાહનો અને વસ્તુઓ પર સફેદ પાઉડર જોવા મળતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લગભગ આખો દિવસ સૂર્યપ્રકાશ ગાયબ રહેતાં ઠંડીમાં પણ વધારો થયો હતો. હવામાન વિભાગે આજે અને આવતી કાલે પણ આવું જ વાતાવરણ રહેવાની આગાહી ગઈ કાલે કરી હતી. 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાજેતરમાં પાકિસ્તાનના બલૂચીસ્તાનમાંથી શરૂ થયેલી ધૂળની આંધી કરાચી તરફ આગળ વધી છે. જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે ચડ્યા બાદ એ ભારતના રાજસ્થાન અને ગુજરાત તરફની હવા સાથે મળી જતાં મુંબઈ સહિત આસપાસનાં શહેરોમાં એની અસર જોવા મળી હતી. આગામી બે દિવસ આવું વાતાવરણ રહેશે. સૂર્યપ્રકાશ ધૂળની ડમરીને લીધે નીચે સુધી ન પહોંચતાં મુંબઈ અને આસપાસમાં અચાનક વાતાવરણ ઠંડું થઈ ગયું હતું. અહીં સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું તાપમાન નોંધાયું હતું.
ઍર-ક્વોલિટી ઘટી
ધૂળની આંધીને લીધે મુંબઈની હવાની ક્વૉલિટીનું સ્તર નીચે ગયું હતું. મુંબઈમાં સામાન્ય રીતે ઍર-ક્વોલિટી ઇન્ડેક્સ ૧૮૦ રહે છે. મલાડ અને માઝગાવમાં ઇન્ડેક્સ ૩૦૦ની ઉપર ગયો હતો. મલાડમાં આ ઇન્ડેક્સ ૩૧૬ તો માઝગાવમાં ૩૧૫ નોંધાયો હતો. આથી શહેરના આ બન્ને વિસ્તારમાં સૌથી ખરાબ હવા રહી હતી. હવામાં ધૂળના કણો ફેલાઈ ગયા હોવાથી અમુક અંતરથી દૂર જોવાનું પણ મુશ્કેલ બન્યું હતું. 
આજે પણ વરસાદ સાથે ઠંડી
હવામાન વિભાગની માહિતી મુજબ મુંબઈ, પુણે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન છૂટોછવાયો કે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે રાત્રે મુંબઈ, થાણે, પાલઘર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈમાં આગામી ૨૪ કલાકમાં પારો ૧૭ ડિગ્રી જેટલો રહેવાની સાથે આકાશ વાદળછાયું રહેશે અને ઠંડો પવન પણ ફૂંકાશે. ૪૮ કલાકમાં પારો બેથી ચાર ડિગ્રી ઘટી શકે છે.

પાકિસ્તાનના કરાચીમાં ઊઠેલી ધૂળની આંધીની અસર ગઈ કાલે મુંબઈના વાતાવરણમાં જોવા મળી હતી અને સવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ધૂંધળું રહ્યું હોવાથી અમુક અંતર સુધી જ જોઈ શકાતું હતું. હવામાન વિભાગે આજે અને આવતી કાલે પણ આવું જ વાતાવરણ રહેવાની આગાહી ગઈ કાલે કરી છે.  (તસવીર : આશિષ રાજે)

mumbai mumbai news