પૂરથી બચવા ૮ વર્ષનો છોકરો ઝાડ પર ચડી ગયો અને જીવ બચાવ્યો

30 August, 2026 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝોયલના પગમાં ફ્રૅક્ચર આવ્યું છે અને ચહેરા પર ઘા થયા છે. તેને રસુવાથી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

દીકરા ઝોયલ સાથે હૉસ્પિટલમાં મમ્મી.

નેપાલના ભયંકર પૂરથી બચવા માટે જંગલમાં દોડી જઈને ઝાડ પર ચડી ગયેલો ૮ વર્ષનો છોકરો ઝોયલ ઘલે શુક્રવારે કાઠમાંડુમાં તેની મમ્મી મટ્ટી માયા તમાંગને મળ્યો હતો. મા-દીકરાના આ રીયુનિયને આંખમાં પાણી લાવી દીધાં હતાં. પૂર આવ્યું ત્યારે ઝોયલ અને તેનો ભાઈ સ્કૂલમાં ગયા હતા અને એકાએક પૂરના પગલે ઘરે કામ કરી રહેલી મમ્મીને લાગ્યું કે ધરતીકંપ થયો છે. પાણી ઘરમાં ઘૂસી આવ્યા બાદ તે તેના બેઉ દીકરાઓને શોધવા સ્કૂલમાં પહોંચી હતી, પણ ત્યાં ભયાનક ખુવારી થઈ ચૂકી હતી. તેને લાગ્યું કે તેના દીકરા પાણીમાં તણાઈ ગયા છે.

તેણે બધા જ રિલીફ સેન્ટરોમાં જઈને દીકરાઓની તપાસ કરી અને નાનો દીકરો તેને મળી આવ્યો હતો પણ ઝોયલનો અતો-પતો નહોતો. જોકે ઝોયલને કાઠમાંડુની એક હૉસ્પિટલમાં એક પત્રકારે જોયો હોવાથી તેણે તેની માતાને જાણ કરી હતી અને શુક્રવારે કાઠમાંડુમાં માતા તેના દીકરાને લેવા પહોંચી હતી. ઝોયલના પગમાં ફ્રૅક્ચર આવ્યું છે અને ચહેરા પર ઘા થયા છે. તેને રસુવાથી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પત્રકારોએ જ્યારે ઝોયલને પૂછ્યું કે તને પૂરનાં પાણી જોઈને ડર લાગ્યો હતો ત્યારે તેણે ‘ના’માં જવાબ આપ્યો હતો.

international news world news nepal china tibet