31 August, 2026 11:00 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડી
નેપાલમાં મહાપૂરના કારણે તબાહી થઈ છે ત્યારે નુવાકોટ જિલ્લાની ત્રિશૂલી ખીણમાં આવેલી ત્રિભુવન ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલનાં ૧૬૪૩ બાળકોના જીવ સ્કૂલના ૪૭ વર્ષના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીની સમયસૂચકતાને કારણે બચી ગયા છે. ગામના લોકો તેમને એક હીરો તરીકે જોઈ રહ્યા છે. સ્કૂલનો સ્ટાફ અને શિક્ષકો સુરક્ષિત છે. માત્ર એક ટીચર અને એક વૉચમૅને જીવ ગુમાવ્યો છે. સ્કૂલના ઇતિહાસના ટીચર સંતોષ પરિહાર નાસ્તો બનાવવા માટે નદી કિનારે પોતાની ભાડાની રૂમમાં પાછા ફર્યા ત્યારે તણાઈ ગયા હતા, જ્યારે ચોકીદાર સુલતાન લામા સ્કૂલનો દરવાજો બંધ કરવા પાછો ફર્યો અને તણાઈ ગયો હતો.
મિત્રનો ફોન આવ્યો
પૂરના દિવસે સવારે ૯.૨૦ વાગ્યે રાજેન્દ્ર દવાડીને તેમના મિત્ર બેત્રાવતીનો ફોન આવ્યો હતો. તેઓ ત્રિશૂલી ઘાટમાં ૮ કિલોમીટર ઉપર રહેતા હતા અને તેમણે ચેતવણી આપી હતી કે તેમનું ગામ નદીના પૂરમાં વહી ગયું છે અને પાણી નીચે તરફ ધસી રહ્યું હોવાથી તેમણે પણ સ્કૂલમાંથી નીકળી જવું જોઈએ.
સ્કૂલ શરૂ થવાની હતી
મિત્રના ફોન પછી રાજેન્દ્ર દવાડીને શરૂઆતમાં લાગ્યું કે તેમની સ્કૂલ સલામત છે, કારણ કે એ કૉન્ક્રીટની બનેલી છે અને નદીથી લગભગ ૬૦ મીટર ઉપર હતી. જોકે નદીમાં પાણીનું સ્તર વધતું હતું. એક વાલી સ્કૂલમાં પહોંચ્યા અને તેમને બીજી ચેતવણી મળી તેથી તેમણે સ્કૂલને છોડી દેવા માટે તરત જ બેલ વગાડી હતી અને બધા સ્ટુડન્ટ્સને પહાડ તરફ ઊંચા સ્થળે જવાની સૂચના આપી.
સ્કૂલ-બસોને પાછી વાળી
રાજેન્દ્ર દવાડીએ બધા શિક્ષકોને ક્લાસરૂમો ખાલી કરવા અને સ્કૂલના બસ-ડ્રાઇવરોને રસ્તામાંથી જ પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. ૭૦૦ સ્ટુડન્ટ્સ સ્કૂલમાં આવી રહ્યા હતા. જોકે એક બસ-ડ્રાઇવર પાછળ રહી ગયો હતો. આના કારણે બાળકોને ટેન્શન થવા લાગ્યું હતું અને એક છોકરી ડરથી બેહોશ થઈ ગઈ હતી. તેને બાઇક દ્વારા ટેકરીની સલામત બાજુએ લઈ જવામાં આવી હતી. એ પછી બધાં બાળકો પણ પહાડ પર દોડી ગયાં હતાં. સ્કૂલમાંથી સ્ટુડન્ટ્સ અને શિક્ષકો ગયા પછી તેઓ છેલ્લે બહાર નીકળ્યા હતા.
સ્કૂલ બની ખંડેર
બધા ટેકરી પર ચડી ગયા ત્યારે ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૩૦ મીટર ઊંચાં પૂરનાં મોજાંઓએ સ્કૂલને ઘેરી લીધી હતી અને થોડી વારમાં સ્કૂલનું બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પ્રિન્સિપાલના ઘર સહિત બે પુલ અને નદી કિનારે ઊભેલાં તમામ મકાનો નાશ પામ્યાં હતાં.
પૂરના પાણીમાં ભેંસે બચાવ્યો યુવાનનો જીવ
નેપાલમાં પૂરના પાણી વચ્ચે એક યુવાને ભેંસ પર બેસીને પોતાનો જીવ બચાવ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે એક યુવાન પૂરના પાણી ધરાવતી નદીમાં ફસાયેલો છે, પણ તેને બચાવવા માટે એક ભેંસ પહોંચી છે અને એના પર બેસીને તે પૂરના ધસમસતા પાણીમાંથી પણ સહીસલામત બહાર આવે છે. યુવાન ભેંસની પીઠ પર બેસેલો છે. ભેંસ પાણીના જબરદસ્ત પ્રવાહ વચ્ચે પણ ગભરાયા વિના આગળ વધી રહી છે અને યુવાનને બચાવે છે. બેઉનો તાલમેલ જોઈને લોકો દંગ રહી ગયા છે. આ વિડિયો જોઈને લોકો તેને ‘કુદરતના કહેર વચ્ચે અનોખી દોસ્તી’ અને ‘સાચો રક્ષક’ એવી ઉપમા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘આ વિડિયો અત્યાર સુધીનો સૌથી સુંદર વિડિયો છે. ખરેખર કોઈ પ્રાણીથી વધુ વફાદાર ન હોઈ શકે.’