અંધકાર અને ભયાનક સમય દરમ્યાન હું સતત હરે કૃષ્ણ મંત્રનો જાપ કરતો હતો

05 September, 2026 02:09 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નેપાલમાં ત્રિશુલી ટનલમાં ૯ દિવસ પછી બે જણ જીવતા મળી આવ્યા, ટનલમાં વધુ લોકોના અવાજ સંભળાય છે; જન્માષ્ટમીના દિવસે જ નવજીવન મેળવનારા બે જણમાંના સંજય સાહે કહ્યું...

ગઈ કાલે ટનલમાંથી જીવિત મળી આવેલા સંજય સાહ (ઉપર) અને કબીર મહર્જન.

નેપાલમાં આવેલા વિનાશક પૂરના ૯ દિવસ પછી ગઈ કાલે ત્રિશુલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. શોધ અને બચાવટીમોએ અંદર ફસાયેલા વધુ બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ-કામગીરી ચાલુ રાખી છે. ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરથી ગંભીર રીતે નુકસાન પામેલા ૬૦ મેગાવૉટ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામદારો સહિત ઓછામાં ઓછા ૪૨ લોકો ફસાયા હતા. ૪૫ વર્ષના કબીર મહર્જન અને ૩૦ વર્ષના સંજય સાહને બહાર કાઢવામાં આવ્યા છે. કબીરનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેને કાઠમાંડુ આર્મી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. ટનલમાંથી લોકોના અવાજ આવી રહ્યા છે એટલે આશા જાગી છે કે ટનલમાં ફસાયેલા વધુ લોકોને જીવતા બચાવી શકાય છે. 
નેપાલના ત્રિશુલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ૯ દિવસ ફસાયા બાદ જીવતા બચાવી લેવામાં આવેલા ૩૦ વર્ષના સંજય સાહે કહ્યું હતું કે ‘અંધકાર અને ભયાનક સમય દરમ્યાન હું 
સતત ‘હરે કૃષ્ણ મંત્ર’નો જાપ કરતો હતો. આ મંત્ર અને અતૂટ શ્રદ્ધાએ મને આશા અને જીવિત રહેવાની અપાર હિંમત આપી હતી.’ 
સંયોગથી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સંજય સાહને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો અને બહાર કાઢવામાં આવ્યો હતો. સંજય સાહ નેપાલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીનો ફોરમૅન છે અને પૂરની ઘટના બની ત્યારે તે કન્ટ્રોલ રૂમમાં હતો. તે અન્ય લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પોતે અંદર ફસાઈ ગયો હતો.
નેપાલમાં ૧૨ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી લગભગ ૯૦૦ કામદારો ગુમ છે. ૨૬ ઑગસ્ટે તિબેટ સરહદ પર આવેલા નેપાલનાં અનેક ગામોમાં પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો ગુમ થયા છે.
એક ફેસબુક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વિધાનસભ્ય રામ ન્યુપાને જણાવ્યું હતું કે ‘ટનલની અંદરથી વધુ અવાજો સંભળાયા છે જેનાથી આશા જાગી છે કે અંદર ફસાયેલા વધુ લોકો હજી પણ જીવંત હોઈ શકે છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે. નેપાલી સેના અને સશસ્ત્ર પોલીસદળની ટીમો વધુ બચી ગયેલા લોકોને શોધવા અને બચાવવાના પ્રયાસોમાં રોકાયેલી છે. લોકો ટનલની અંદરથી વાત કરી રહ્યા છે એવી માહિતી મળવી એ એક આશાસ્પદ સંકેત છે.’

વૉટ્સઍપ ગ્રુપ દેવદૂત સાબિત થઈ રહ્યું છે
૫૦૦થી વધુ એન્જિનિયરો અને ભૂતપૂર્વ કર્મચારીઓ રેસ્ક્યુ-ટીમને પૂરગ્રસ્ત ભૂગર્ભ ટનલના રસ્તાઓની સચોટ માહિતી આપી રહ્યા છે
નેપાલમાં ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ કાટમાળ હેઠળ દબાયેલી ટનલોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બનેલું એક વૉટ્સઍપ ગ્રુપ આશાનું મોટું કિરણ બન્યું છે. આ ગ્રુપમાં ૫૦૦થી વધુ એન્જિનિયરો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ભૂતપૂર્વ કર્મચારીઓ અને નિષ્ણાતો જોડાયેલા છે. તેઓ બચાવકર્મીઓને ટનલના મૅપ અને ભૂગર્ભ રસ્તાઓની સચોટ માહિતી પૂરી પાડી રહ્યા છે.
રેસ્ક્યુ ટીમને ટનલમાં રસ્તો શોધવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓ વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ કરે છે અને ગણતરીની મિનિટોમાં જ તેમને ટનલની અંદરની ડિઝાઇન અને લાપતા મજૂરોના ફોનનું અંતિમ લોકેશન મળી જાય છે. આ ટેક્નૉલૉજી અને ગ્રુપની મદદથી જ અપર ત્રિશુલી-3A પ્રોજેક્ટની ટનલમાં ૯ દિવસથી ફસાયેલા બે મજૂરોને જીવતા બહાર કાઢવામાં સેનાને મોટી સફળતા મળી છે. 

nepal flash floods international news new delhi national news