02 September, 2026 08:00 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
નેપાળ પૂર (સૌજન્ય : મિડ-ડે)
નેપાલમાં આવેલા વિનાશક પૂર બાદ લાપતા લોકોને શોધવાની સાથે પોલીસ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. પૂરમાં આશરે ૨૦ બૅન્કની તિજોરીઓ તણાઈ ગઈ હતી. આ તિજોરીઓમાં રહેલી કરોડોની રોકડ અને સોનાને ખોટા હાથમાં જતા રોકવા માટે પોલીસ ભારે જહેમત ઉઠાવી રહી છે. અહેવાલ મુજબ કેટલાક લોકોએ તણાઈ ગયેલી તિજોરીઓ તોડીને લૂંટ ચલાવી હતી.
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) અબી નારાયણ કાફલેએ સોમવારે જણાવ્યું હતું કે રસુવા, ધાડિંગ અને ચિતવનમાં બૅન્કોને ભારે નુકસાન થયું છે. ધાડિંગમાં પોલીસે એક તિજોરીમાંથી ૫૭.૫૦ લાખ રૂપિયા (૯૨ લાખ નેપાલી રૂપિયા)ની ચોરી કરવા બદલ ૨૯ લોકોની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત પોલીસે ત્રિશુલીમાંથી અૅગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ બૅન્કની એક તિજોરી સુરક્ષિત રીતે શોધી કાઢી હતી જેમાં ૯૩.૭૫ લાખ રૂપિયા (૧.૫ કરોડ નેપાલી રૂપિયા)ની રોકડ અને ૩૧.૨૫ કરોડ રૂપિયા (૫૦ કરોડ નેપાલી રૂપિયા)નું સોનું હતું. નુવાકોટમાંથી કૃષિ વિકાસ બૅન્કની પણ એક તિજોરી મળી આવી હતી. કાફલેએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ૭૮૯૪ પોલીસ-કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે.