13 August, 2025 11:08 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેપાલ એના લગભગ ૯૭ હિમાલય પર્વતો આગામી બે વર્ષ માટે ચડાણ-ફ્રી કરી રહ્યું છે. હિમાલયી રાષ્ટ્રની સરકારે કરનાલી અને સુદુરપશ્ચિમ પ્રાંતોમાં આવેલાં ૯૭ શિખરો માટે રૉયલ્ટી-ફી માફ કરી છે. આ પગલાનો હેતુ પર્વતારોહકોને ચીનની સરહદે આવેલા ઓછા વિકસિત પ્રદેશ તરફ આકર્ષવાનો છે. કરનાલી અને સુદુરપશ્ચિમ પ્રદેશોમાં પર્વતોનાં શિખરો ૫૯૭૦ મીટરથી ૭૧૩૨ મીટર સુધીનાં છે. આ પ્રાંતો નેપાલના સૌથી ગરીબ અને ઓછા વિકસિત પ્રાંતોમાંના એક છે.
નેપાલે ૪૯૧ શિખરો ખોલ્યાં છે, પરંતુ પ્રવાસીઓ મુખ્યત્વે દેશના નૉર્થ-ઈસ્ટ અને સેન્ટ્રલ પ્રદેશોમાં આવેલાં પચીસ શિખરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટનો સમાવેશ થાય છે. એના પર સેંકડો લોકો દર વર્ષે ક્લાઇમ્બિંગ કરવાનો પ્રયાસ કરે છે.
તમામ ગાઇડ નેપાલી
નવા પ્રસ્તાવિત નિયમ મુજબ પર્વતારોહકોને ૭૦૦૦ મીટરથી વધુ ઊંચાં શિખરો પર અગાઉનો અનુભવ હોવો જરૂરી છે અને ખાતરી કરવી પડશે કે બધા એવરેસ્ટ માર્ગદર્શકો નેપાલી નાગરિક છે જે નેપાલના સુરક્ષિત, ટકાઉ પર્વતારોહણ માટેના દબાણને મજબૂત બનાવે છે.
પરમિટ-ફીમાં વધારો
નેપાલે સપ્ટેમ્બરથી શરૂ થતી સીઝનમાં નાના ટોચ માટેની પરમિટ-ફી ૨૫૦થી વધારીને ૩૫૦ ડૉલર કરી છે. માઉન્ટ એવરેસ્ટ માટેની ફી પણ ૧૧,૦૦૦થી વધારીને ૧૫,૦૦૦ ડૉલર કરી છે. છેલ્લા લગભગ એક દાયકામાં આટલો પહેલો વધારો છે.
ફીથી કેટલી આવક?
ગયા વર્ષે ચડાણ-ફીથી ૫.૯ મિલ્યન ડૉલર (આશરે ૫૧.૭૧ કરોડ રૂપિયા)ની આવક થઈ હતી, જેમાં એવરેસ્ટનો હિસ્સો ત્રણચતુર્થાંશથી વધુ હતો.