16 April, 2026 11:45 AM IST | London | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સ (ECHR)એ ભારતના પંચાવન વર્ષના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં ગુપ્તતા જાળવી રાખવાની મંજૂરી આપી છે. આ મુદ્દે કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કોર્ટ હવે આ કેસની સુનાવણી જાહેર નહીં કરે અને આરોપીની ગુપ્તતા જાળવી રાખવામાં આવશે. કેસની સુનાવણી બંધ દરવાજે કરવામાં આવશે. કોર્ટ એક પખવાડિયામાં સુનાવણી હાથ ધરશે અને ચુકાદો આપતાં પહેલાં ભારતના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની દલીલ પણ સાંભળવામાં આવશે. આ પછી આ કેસમાં ચુકાદો આવશે.’
આ પછી જો સુનાવણીમાં નીરવ મોદીની અરજી ફગાવી દેવામાં આવે છે તો તેમના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ જશે અને તેમને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે, કારણ કે તેમના પ્રત્યાર્પણમાં આ એકમાત્ર કાનૂની અવરોધ દૂર થશે.
આ સંદર્ભમાં જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘નીરવ મોદીને બચવા માટે આ છેલ્લો ઉપાય છે. ત્યાંથી પણ તે હારી જાય તો તેને ભારત પાછો લાવવામાં આવશે. નીરવ મોદી ૨૦૧૯ની ૧૯ માર્ચથી બ્રિટનમાં કસ્ટડીમાં છે. હાલમાં તે લંડનની વાન્ડ્સવર્થ જેલમાં બંધ છે. માર્ચમાં પ્રત્યાર્પણ સામે નીરવ મોદીની અરજી ફગાવી દેવામાં આવી હતી. બધા કાનૂની રસ્તા બંધ થયા બાદ તેણે ECHRમાં અરજી કરી હતી.’
ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા નીરવ મોદી પર પંજાબ નૅશનલ બૅન્કમાં આશરે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. તેમના મામા મેહુલ ચોકસી પણ આ આરોપોમાં ફસાયેલા છે જે હાલમાં બેલ્જિયમમાં જેલમાં છે. આ કૌભાંડમાં એકલા નીરવ મોદીએ જ ૬૪૯૮.૨૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.