ઉત્તર કોરિયાએ મિસાઇલ ફાયર કરતાં જપાનમાં ગભરાટ ફેલાયો

05 October, 2022 09:09 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ઉત્તર કોરિયા દ્વારા છેલ્લા દસ દિવસમાં પાંચ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઉત્તર કોરિયાએ ગઈ કાલે સવારે છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી વખત કોઈ ચેતવણી વિના જપાન પરથી બૅલિસ્ટિક મિસાઇલ ફાયર કરતાં જપાને એના નાગરિકોને સલામત સ્થળે આશરો લેવા જણાવ્યું હતું.

ઉત્તર કોરિયા દ્વારા છેલ્લા દસ દિવસમાં પાંચ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલના પરીક્ષણની જપાન અને સાઉથ કોરિયાએ ટીકા કરી હતી.

સાઉથ કોરિયાના જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ અનુસાર મધ્યમ રેન્જના આ મિસાઇલને ઉત્તર કોરિયાના મુપ્યોંગ-રિ પાસેથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. એણે વીસ મિનિટમાં ૪૬૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એ જપાનના ટોહોકુ રીજન પરથી પસાર થઈને આખરે પૅસિફિક સમુદ્રમાં પડી હતી. જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ આ પરીક્ષણની આકરી ટીકા કરી હતી. ઉત્તર કોરિયાએ આ વર્ષે બૅલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલનાં ૨૩ પરીક્ષણ કર્યાં હતાં. જૅપનીઝ ઑથોરિટીઝ અનુસાર ગઈ કાલના પરીક્ષણના કારણે કોઈ જહાજને નુકસાન થયું નથી. જોકે પહેલાંથી માહિતી આપ્યા વિના કરવામાં આવેલા મિસાઇલના પરીક્ષણથી જે-અલર્ટ ઍક્ટિવેટ થઈ હતી. જપાનમાં જોખમ અને કટોકટીની લોકોને જાણ કરવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. 

international news north korea japan