15 April, 2025 12:57 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઝેલેન્સ્કી
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિવાર્તાના પ્રયાસ બાદ પણ સતત યુદ્ધ ચાલી રહ્યું છે. એ દરમ્યાન યુક્રેનના સુમી શહેરમાં રશિયાના મિસાઇલ-હુમલા બાદ અનેક લોકોનાં મોત થયાં છે અને ૮૩થી વધુ લોકો ઈજા પામ્યા છે. આ હુમલો અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલામાંનો એક હતો. આ હુમલા બાદ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદોમિર ઝેલેન્સ્કીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે જેનાથી ટ્રમ્પ જોઈ શકે કે પુતિને તેમના દેશની શું હાલત કરી છે.
ઝેલેન્સ્કીએ ટ્રમ્પને આગ્રહ કર્યો કે ‘તેઓ કોઈ પણ પ્રકારના નિર્ણય અથવા કરાર કરતાં પહેલાં યુક્રેનની મુલાકાત લે અને અહીંના સામાન્ય લોકો અને યોદ્ધાઓને મળે. અહીંની હૉસ્પિટલની મુલાકાત લે. ફક્ત રાક્ષસ જ આવું કરી શકે. નિર્દોષ લોકોના જીવ લેવા અને એ પણ સન્ડેના દિવસે જ્યારે લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે.’
આ સાથે ઝેલેન્સ્કીએ યુક્રેનમાં થયેલી ઘાતકી હિંસાનો વિડિયો પણ શૅર કર્યો હતો જેમાં સંખ્યાબંધ મૃતદેહો, બળતી બસ અને વાહનો જોઈ શકાય છે.