02 February, 2026 05:34 PM IST | Balochistan | Gujarati Mid-day Online Correspondent
BLAએ કરેલા હુમલાના એક દિવસ પછી 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ ક્વેટાની બહારના વિસ્તારમાં નુકસાન થયેલી બૅન્કના દ્રશ્યો (તસવીર: એજન્સી)
બલુચ લિબરેશન આર્મી (BLA) એ શનિવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના અનેક જિલ્લાઓ પર એક સાથે હુમલો કર્યો, જે અત્યાર સુધીના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. BLA એ આ ઑપરેશનને ‘ઑપરેશન હીરોફ ફેઝ 2’ ગણાવતા દાવો કર્યો હતો કે તેમના જવાનોએ 80 થી વધુ પાકિસ્તાની સૈનિકો, પોલીસ કર્મચારીઓ અને ગુપ્તચર કર્મચારીઓને મારી નાખ્યા હતા. હુમલા દરમિયાન ઘણી સરકારી ઇમારતો અને વાહનોને પણ નુકસાન થયું હતું. આ હુમલો 10 કલાક સુધી શરૂ રક્યો, જેના કારણે હવે પાકિસ્તાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે.
BLA ના પ્રવક્તા જિયાંદ બલોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના લડવૈયાઓએ બલુચિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં એક સાથે હુમલા કર્યા હતા, જેમાં ક્વેટા, નાશકી, મસ્તુંગ, દલબંદીન, કલાત, ખારાન, પંજગુર, ગ્વાદર, પાસની, તુર્બત, ટુમ્પ, બુલેડા, મંગોચર, લાસબેલા, કેચ અને અવારનનો સમાવેશ થાય છે. BLA એ દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ફ્રન્ટિયર કૉર્પ્સના કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 84 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. વધુમાં, ઘણી ઇમારતો, બૅન્કો અને જેલોનો નાશ કરવામાં આવ્યો હતો અને 20 થી વધુ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સેનાએ આ હુમલા સામે કાર્યવાહી કરી. તેણે શનિવારે એક કાર્યવાહીમાં 92 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ હુમલામાં મહિલા આત્મઘાતી બૉમ્બરોની સંડોવણીની પુષ્ટિ કરી હતી. મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને હુમલાની યોજના વિશે અગાઉથી માહિતી મળી હતી, જેના પગલે કામગીરી પહેલાં પૂર્વ-ઑપરેશનલ પગલાં શરૂ કરવામાં આવ્યા હતા.
BLA એ સ્વીકાર્યું હતું કે કામગીરી દરમિયાન તેના સાત લડવૈયાઓ માર્યા ગયા હતા, જેમાં માજીદ બ્રિગેડના સભ્યોનો પણ સમાવેશ થાય છે. વધુમાં, જૂથે હુમલામાં ભાગ લેનારી બે મહિલા ફિદાયીન, આસિફા મેંગલ અને હવા બલોચ વિશે માહિતી પૂરી પાડી હતી. આસિફા મેંગલે નોશ્કીમાં ISI ઑફિસમાં IED બ્લાસ્ટ કર્યો હતો અને પછી તેનું પણ મોત થયું હતું. હવા બલોચે ગ્વાદર મોરચા પર લડાઈ કરી હતી, અને તેનો છેલ્લો સંદેશ અને વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
બલુચિસ્તાનમાં હિંસાના રાજકીય પરિમાણો પણ બહાર આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ આરોપ લગાવ્યો હતો કે BLAના વરિષ્ઠ નેતાઓ અફઘાનિસ્તાનથી કાર્યરત છે, અને પાકિસ્તાને અફઘાન તાલિબાન પર પાકિસ્તાન વિરુદ્ધ તેમની ભૂમિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારત પર બલુચ બળવાખોરોને ટેકો આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જોકે ભારતે આ આરોપોને સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે.
બલુચિસ્તાનમાં હાલમાં તણાવપૂર્ણ વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે. સુરક્ષા દળોએ ઘણા વિસ્તારોને ઘેરી લીધા છે અને સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. ગ્વાદર અને ખારાન જેવા જિલ્લાઓમાં નાગરિકો ભયમાં જીવી રહ્યા છે. પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે, અને ભવિષ્યમાં વધુ હુમલા થવાની આશંકા છે.