16 October, 2025 10:58 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પાકિસ્તાને સવારે ફાઇટર જેટથી કાબુલ પર કર્યો હવાઈ હુમલો, ૧૨ નાગરિકોનાં મોત: તાલિબાને પાકિસ્તાની ટૅન્ક અને ચેકપોસ્ટ કબજે કરી અને પેશાવરમાં કર્યો ડ્રોન હુમલો: મંગળવારે રાતે અને બુધવારે ભયંકર સંઘર્ષ પછી પાકિસ્તાનના કહેવાથી સાંજે ૫.૩૦ વાગ્યે ૪૮ કલાક માટે યુદ્ધવિરામ માટે અફઘાનિસ્તાન સહમત થયું
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તનાવ ઘટવાનું નામ નથી લેતો. સોમવારે કતર અને સાઉદી અરેબિયાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ સ્વીકાર્યા પછી પણ પાકિસ્તાને મંગળવારે રાતે ફરીથી અફઘાનિસ્તાન પર હુમલા કર્યા હતા. ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં આવેલી સીમા પર આખી રાત સામસામા ગોળીબારમાં અફઘાની સીમા ચોકીઓને નુકસાન પહોંચાડ્યા પછી પાકિસ્તાને ફાઇટર જેટથી કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રવક્તાએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કરેલા હુમલામાં ૧૨થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. એ પછી અફઘાનિસ્તાને વળતા હવાઈ હુમલા કરીને પેશાવરને ભડકે બાળ્યું હતું. તાલિબાને પેશાવરમાં આવેલા એક પ્લાઝાને નિશાન બનાવ્યું હતું જ્યાં પાકિસ્તાનની સીક્રેટ એજન્સીની ઑફિસ હતી. આ ઉપરાંત અનેક ડ્રોન હુમલાથી પાકિસ્તાનમાં પારાવાર નુકસાન થયું હતું.
છેલ્લા એક અઠવાડિયામાં બે દેશો વચ્ચે આ ત્રીજી વાર મોટો સંઘર્ષ થયો હતો. જોકે એક જ દિવસના યુદ્ધ બાદ સાંજે યુદ્ધવિરામ થયો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુઝાહિદે સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું હતું કે પાકિસ્તાનના અનુરોધ પર બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે છે. સાંજે ૫.૩૦ વાગ્યા પછી ૪૮ કલાક માટે યુદ્ધવિરામ જાહેર થયો હતો.