20 September, 2026 06:55 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
અલીમા ખાન અને ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનના બહેન અલીમા ખાનની લાહોરમાં તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી છે. PTIના પ્રવક્તાએ આ ધરપકડની પુષ્ટિ કરી છે. આ કાર્યવાહી પક્ષ દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ આયોજિત મોટા વિરોધ પ્રદર્શન પહેલાં કરવામાં આવી છે. ઇમરાન ખાન ઑગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે. PTI તેમની મુક્તિની માગ કરવા માટે ૨૭ સપ્ટેમ્બર 2026 થી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે. પક્ષે તેના કાર્યકરોને ઈસ્લામાબાદમાં ભેગા થવા માટે આહ્વાન કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન પહેલાં PTIના અનેક કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે અગાઉ પણ પક્ષના કેટલાક કાર્યકરોની ધરપકડ કરી હતી. PTIનો આરોપ છે કે સરકાર વિરોધ પ્રદર્શનને નબળું પાડવા માટે તેના નેતાઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરી રહી છે. પક્ષનું કહેવું છે કે ઇમરાન ખાનની મુક્તિ એ વિરોધ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો છે.
સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ સેન્ટ્રલ પોલીસ ઓફિસમાં બેઠક યોજી હતી. પોલીસે ગેસ્ટ હાઉસ, સરાઈ અને બસ ટર્મિનલ પર દેખરેખ વધારી દીધી છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ માટે ખોરાક, પાણી, રહેઠાણ અને વાહનોની વ્યવસ્થા કરનારા વ્યક્તિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સ્પેશિયલ બ્રાન્ચ અને કાઉન્ટર-ટૅરરિઝમ ડિપાર્ટમેન્ટ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓને ઍલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ PTIના નેતાઓ અને કાર્યકરોની ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખી રહી છે.
PTIએ દેશના વિવિધ ભાગોમાંથી તેના કાર્યકરોને ઈસ્લામાબાદ પહોંચવા માટે આહ્વાન કર્યું છે. પક્ષ ઇમરાન ખાનની મુક્તિની માગ કરવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યો છે. અલીમા ખાનની ધરપકડ બાદ PTI અને સરકાર વચ્ચે તણાવ વધી ગયો છે. ૨૭ સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન ઇમરાન ખાન હાલ જેલમાં છે ત્યારે તેમના બચાવમાં ઑસ્ટ્રેલિયાના સાત ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટનો મેદાનમાં આવ્યા છે. ઍલન બૉર્ડર, ગ્રેગ ચૅપલ, ઇયાન ચૅપલ, બેલિન્ડા ક્લાર્ક, કિમ હ્યુઝ, માર્ક ટેલર અને સ્ટીવ વૉએ ઑસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન પેની વૉન્ગને પત્ર લખીને ઇમરાનની અટકાયત અંગે માનવતાવાદી ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નહીં પરંતુ ભૂતપૂર્વ કૅપ્ટન તરીકે આ અપીલ કરી રહ્યા છે. તેઓ ઇમરાન સામેના કાનૂની કે રાજકીય કેસમાં પડવા માગતા નથી પરંતુ કોઈ પણ કેદી સાથે થતા વર્તનને તેઓ મૂળભૂત માનવતાનો વિષય માને છે. ગ્રેગ ચૅપલે વિદેશપ્રધાન સાથે મુલાકાત માટે પણ સમયની માગણી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.