18 April, 2025 01:53 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
આસિમ મુનીર
પાકિસ્તાનનો પાયો નફરતના આધાર પર નખાયો અને આજે એની સ્થિતિ દુનિયાની સામે છે. પાકિસ્તાન કંગાળ થવાના આરે છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ નફરતના વિચાર હજી સુધી નથી બદલાયા. હવે પાકિસ્તાની સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને કહ્યું છે કે અમે હિન્દુઓથી અલગ છીએ. આસિમ મુનીરે ‘ટૂ નેશન થિયરી’ને યોગ્ય ગણાવી છે.
બુધવારે ઓવરસીઝ પાકિસ્તાનીઓના સંમેલનને સંબોધિત કરતાં પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીરે કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાન બન્ને અલગ દેશ છે. હિન્દુઓ પાકિસ્તાનથી તદ્દન અલગ છે. આપણા દેશની ગાથા આપણે આપણી ભાવિ પેઢીઓને સંભળાવવાની છે. પાકિસ્તાનના દુશ્મન વિચારે છે કે તેઓ બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા ૧૫૦૦ આતંકવાદીની મદદથી બલૂચિસ્તાન છીનવી લેશે, પણ આ આતંકવાદીઓનો ખાતમો બોલાવીશું. તેમની કમર તોડી નાખીશું.’
આપણા પૂર્વજોએ વિચાર્યું હતું કે આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ એમ જણાવીને આસિમ મુનીરે વધુ ઝેર ઓકતાં કહ્યું હતું કે ‘આપણા રીતરિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધું જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ, એક નથી. આ દેશ માટે આપણે ખૂબ બલિદાન આપ્યું છે. અનેક વર્ષોથી સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. આપણે આપણા દેશની ગાથા આપણી ભાવિ પેઢી-બાળકોને કહેવાની છે. વિશ્વમાં અલ્લાહના કલમાના આધારે માત્ર બે જ દેશ છે, એક મદીના અને બીજું પાકિસ્તાન. અલ્લાહે ૧૩૦૦ વર્ષ પહેલાં પાકિસ્તાન બનાવ્યું.
આસિમ મુનીરે કાશ્મીરનો મુદ્દો પણ ઉખેળ્યો હતો અને કહ્યું હતું કે ‘કાશ્મીર પાકિસ્તાનનું અંગ છે જેને કોઈ છીનવી શકશે નહીં. પાકિસ્તાનને ક્યારેય કાશ્મીરથી અલગ કરી શકાશે નહીં. કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે. કોઈ પણ તાકાત કાશ્મીરને છીનવી શકશે નહીં. અલગાવવાદી તાકાતો ભલે ગમે એટલો પ્રયાસ કરે, તેઓ પાકિસ્તાનની અખંડતાને નુકસાન નહીં પહોંચાડી શકે.’
પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો : પાકિસ્તાની સેનાપ્રમુખના દાવાને ભારતે ફગાવ્યો
પાકિસ્તાનના સેનાપ્રમુખ અાસિમ મુનીરને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. અાિસમ મુનીરે બુધવારે એક સંમેલનમાં નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે. ગુરુવારે ભારતે આ વિશે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાનના દાવાને ફગાવતાં કહ્યું હતું કે ‘કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાનને એની સાથે કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાનનો કાશ્મીર પ્રત્યે એકમાત્ર સંબંધ ગેરકાયદે કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાનો છે. કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે?’