14 May, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખ્વાજા આસિફ
સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું... અમે આતંકવાદ સાથેના સંબંધો તોડી નાખ્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ મેએ રાતે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં સ્પષ્ટતા કરી હતી કે ‘ભારતે ઑપરેશન સિંદૂર માત્ર સ્થગિત કર્યું છે, એને કાયમ માટે બંધ કર્યું નથી. જો એ (પાકિસ્તાન) ફરીથી કંઈ કરવાની હિંમત કરશે તો ભારતની ત્રણેય સેનાઓ યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.’
નરેન્દ્ર મોદીના આ નિવેદન પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આવી છે, જેમાં જણાવ્યું હતું કે ‘ભારતની કાર્યવાહીએ આક્રમકતાનો ખતરનાક દાખલો બેસાડ્યો છે, જેનાથી સમગ્ર ક્ષેત્ર વિનાશની કગાર પર આવી ગયું છે. જ્યારે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભારતના વડા પ્રધાન આક્રમક નિવેદનો આપીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.’ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે અમે આતંકવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.
પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે ખોખલી ધમકી આપીને કહ્યું... જો સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધવિરામનો કોઈ અર્થ નહીં રહે
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે સંમત થયાં છે, પરંતુ એમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે ફરી એક વાર ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ અંગેનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. જો આ મામલો ઉકેલાય નહીં તો એને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે.’
પાકિસ્તાન પહેલેથી જ જળ સંધિ અંગે ધમકીઓ આપી ચૂક્યું છે. પાકિસ્તાનના ઘણા નેતાઓએ પણ ભારતને પરમાણુ બૉમ્બની ધમકી આપી છે. ઑપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પાકિસ્તાને પોતે આ વાત સ્વીકારી લીધી છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ૧૧ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૭૦થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.