મિડલ ઈસ્ટમાં કંઈક મોટું થવાની આશંકા

19 May, 2026 10:53 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને સાઉદી અરેબિયામાં તહેનાત કર્યા ૮૦૦૦ સૈનિકો: ફાઇટર જેટ અને ઍર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનથી સાઉદી અરેબિયા મોકલવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ટેન્શન વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણકરાર હેઠળ ૮૦૦૦ સૈનિકો મોકલ્યા છે અને એક ફાઇટર પ્લેન સ્ક્વૉડ્રન અને ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે. આ યુદ્ધ માટે સુરક્ષાદળો તૈયાર છે જે કોઈ પણ પ્રકારની યુદ્ધજન્ય પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાની સેનાને સમર્થન આપશે. જોકે આ મુદ્દે પાકિસ્તાની સૈન્ય, વિદેશ મંત્રાલય અથવા સાઉદી અરેબિયાની સરકારી મીડિયા ઑફિસે કોઈ જાણકારી આપી નથી.

પાકિસ્તાને ૧૬ વિમાનોની એક આખી સ્ક્વૉડ્રન મોકલી છે, જેમાં મોટા ભાગે ચીન સાથે સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા JL-17 થન્ડર ફાઇટર પ્લેનનો સમાવેશ છે. આ પ્લેન એપ્રિલની શરૂઆતમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. આ સિવાય બે ડ્રોન સ્ક્વૉડ્રન પણ મોકલવામાં આવી છે. ચીનમાં તૈયાર થયેલી HQ-9 ઍર ડિફેન્સ સિસ્ટમ પણ તહેનાત કરવામાં આવી છે. આનું સંચાલન પાકિસ્તાની સૈનિકો કરે છે પણ ખર્ચ સાઉદી અરેબિયા ઉઠાવે છે.

ગયા વર્ષે થયા સંરક્ષણકરાર

૨૦૨૫માં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા સંરક્ષણકરારની ઘણી વિગતો જાહેર કરવામાં આવી નથી, પણ બેઉ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે એક પર હુમલો બીજા દેશ પર હુમલા સમાન ગણવામાં આવશે. પાકિસ્તાન સાઉદીમાં ૮૦,૦૦૦ સૈનિકો મોકલી શકે છે. પાકિસ્તાની યુદ્ધજહાજો પણ મોકલવાની જોગવાઈ છે, પણ હજી સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટ ચિત્ર પ્રાપ્ત થયું નથી.

international news world news pakistan middle east crisis saudi arabia