પાકિસ્તાન અસીમ મુનીરને અસીમ પાવર આપશે

10 November, 2025 11:31 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ત્રણેય સેનાઓના પ્રમુખ અને ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ બનાવવા માટે દેશના સંવિધાનમાં બદલાવ કરવામાં આવ્યો

પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર

ઑપરેશન સિંદૂરમાં પરાજય થવા છતાં પાકિસ્તાને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને નવું પદ અને વધુ સત્તા આપવા માટે એક બંધારણીય સુધારો રજૂ કર્યો છે, જે તેમને વધુ વ્યાપક સત્તાઓ આપશે. આ સુધારાથી એક નવું પદ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનાવવામાં આવ્યું છે અને આર્મી ચીફને CDF બનાવવામાં આવશે. વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે પરામર્શ કરીને CDFને નૅશનલ સ્ટ્રૅટેજિક કમાન્ડના વડાની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે.

ઑપરેશન સિંદૂર બાદ યુદ્ધવિરામ પછી પાકિસ્તાન સરકારે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફીલ્ડમાર્શલના હોદ્દા પર બઢતી આપી હતી અને તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં આવું પદ મેળવનારા બીજા અધિકારી બન્યા હતા. પાકિસ્તાને સશસ્ત્ર દળોને મજબૂત બનાવવા માટે CDF નામનું નવું પદ બનાવવા માટે બંધારણમાં સુધારો રજૂ કર્યો છે. શનિવારે રજૂ કરાયેલો આ સુધારો આર્મી, નેવી અને ઍરફોર્સ વચ્ચે સંકલન અને કમાન્ડને પણ વધારશે. શાહબાઝ શરીફ સરકારે ખાતરી આપી છે કે તે લોકશાહીને જોખમમાં મૂકશે નહીં.

સંસદમાં રજૂ કરાયેલો ૨૭મો બંધારણીય સુધારો બંધારણની કલમ ૨૪૩માં ફેરફારનો પ્રસ્તાવ મૂકે છે જે અસીમ મુનીરને વધુ સત્તાઓ આપશે. અન્યથા તેઓ ૨૮ નવેમ્બરે નિવૃત્ત થવાના હતા. બિલ અનુસાર વડા પ્રધાનની સલાહ પર આર્મી ચીફ અને ચીફ ઑફ ડિફેન્સ ફોર્સ બન્નેની નિમણૂક કરશે. 

આ સુધારા સરકારને લશ્કરી અધિકારીઓને ફીલ્ડમાર્શલ, માર્શલ ઑફ ધ ઍરફોર્સ અને ઍડ્મિરલ ઑફ ધ ફ્લીટ જેવા માનદ હોદ્દાઓ પર બઢતી આપવાની પણ સત્તા આપે છે. નોંધનીય છે કે ફીલ્ડમાર્શલનું બિરુદ આજીવન આપવામાં આવશે એટલે કે જે કોઈ પણ આ પદ પર બઢતી મેળવશે તે જીવનભર આ પદ સાથે જોડાયેલા વિશેષાધિકારોનો આનંદ માણશે. 

international news world news pakistan operation sindoor asim munir