05 December, 2025 11:53 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
શાહબાઝ શરીફે સેનાપ્રમુખ આસિમ મુનીરને CDF બનાવવાના બદલામાં પોતાને નેક્સ્ટ ટાઇમ પણ પાકિસ્તાનના વડા પ્રધાનપદ માટે જાળવી રાખવાની સીધી શરત મૂકી છે.
પાકિસ્તાનમાં બંધારણમાં બદલાવ કરીને આસિમ મુનીરને ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનાવવાના નોટિફિકેશનને જાહેર કરવામાં જે મોડું થઈ રહ્યું છે એને કારણે અનેક અટકળો શરૂ થઈ છે. પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PMLN)નાં સૂત્રોના કહેવા મુજબ આ મોડું માત્ર કોઈ ટેક્નિકલ કારણોસર નથી થઈ રહ્યું, પરંતુ પડદા પાછળ ઘણી મોટી સોદાબાજી ચાલી રહી છે. દાવો થઈ રહ્યો છે કે શાહબાઝ શરીફે સેનાપ્રમુખ આસિમ મુનીરને CDF બનાવવાના બદલામાં પોતાને નેક્સ્ટ ટાઇમ પણ પાકિસ્તાનના વડા પ્રધાનપદ માટે જાળવી રાખવાની સીધી શરત મૂકી છે. શાહબાઝ શરીફ અને પંજાબનાં ચીફ મિનિસ્ટર મરિયમ નવાઝે એવો પ્રસ્તાવ આપ્યો છે કે જો આસિમ મુનીરને CDF પદ પર પાંચ વર્ષનો કાર્યકાળ જોઈતો હોય તો તેમણે શાહબાઝ શરીફની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવી પડશે. આ સાથે તેમણે ભવિષ્યની સુરક્ષા-ગૅરન્ટી પણ માગી છે. શાહબાઝે ફોજમાં કેટલાંક મહત્ત્વનાં પ્રમોશન અને પોસ્ટિંગમાં પણ પોતાની સહમતીની મંજૂરીની માગણી રાખી છે.
આસિમ મુનીરનો કાર્યકાળ આગળ વધારવાની તારીખ ૨૯ નવેમ્બર હતી, પરંતુ એને પાછળ ઠેલવામાં આવી રહી છે. પહેલાં સ્વાસ્થ્યનાં કારણોસર મોડું થયું અને પછી શાહબાઝ બાહરિન અને લંડનની યાત્રા પર જતા રહ્યા હતા. આ બધાને કારણે શાહબાઝ જાણીજોઈને મોડું કરી રહ્યા હોય એવી ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ હવે જાણવા મળ્યું છે કે ખાનગી સોદાબાજીની શરતો પર સહમતી નથી એને કારણે મોડું થઈ રહ્યું છે.
અમેરિકાના ૪૪ સંસદસભ્યોએ વિદેશપ્રધાનને લખ્યો પત્ર, કહ્યું... પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે, શાહબાઝ અને આસિમ મુનીર પર પ્રતિબંધ લાદવો જોઈએ
અમેરિકાના ૪૪ સંસદસભ્યોએ બુધવારે વિદેશપ્રધાન માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તત્કાળ પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. આ સંસદસભ્યોનો આરોપ છે કે ‘પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે, પત્રકારોને ધમકાવવામાં આવે છે અને દેશ છોડવા મજબૂર કરવામાં આવે છે. અમેરિકી-પાકિસ્તાની નાગરિક પણ સેના અને સરકારની આલોચના કરે તો તેમના પાકિસ્તાનમાં રહેતા પરિવારજનોને ધમકી મળે છે.’