પાકિસ્તાનમાં મુસ્લિમ મોહલ્લાનાં નામ બદલીને હિન્દુ રાખવામાં આવ્યાં

18 May, 2026 08:27 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

સુન્નતનગરનું નવું નામ સંતનગર, મસ્જિદ ચોકને બદલે જૈન મંદિર ચોક

પાકિસ્તાનના મહોલ્લા

પાકિસ્તાનમાં લાહોરના ઘણા હિન્દુ વિસ્તારોને એમની મૂળ ઓળખમાં પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ૯ જગ્યાઓનાં મુસ્લિમ નામ બદલીને જૂનાં હિન્દુ નામ રાખવામાં આવ્યાં છે. આ પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં મુસ્લિમ નામ ધરાવતા ઘણા વિસ્તારોને એમનાં મૂળ હિન્દુ નામોથી બદલી નાખવામાં આવ્યાં છે. સુન્નતનગરનું નામ બદલીને સંતનગર કરવામાં આવ્યું છે. એ જ રીતે ઇસ્લામપુરાને કૃષ્ણનગર, મૌલાના ઝફર ચોકને લક્ષ્મી ચોક, મસ્જિદ ચોકને જૈન મંદિર ચોક, મુસ્તફાબાદને ધરમપુરા, સર આગા ખાન ચોકને ડેવિસ રોડ, અલ્લામા ઇકબાલ રોડને જેલ રોડ, ફાતિમા જિન્ના રોડ હવે ક્વીન્સ રોડ અને બાગ-એ-જિન્ના હવે લૉરેન્સ ચોક તરીકે ઓળખાશે.

પંજાબ પ્રાંતનાં ચીફ મરિયમ નવાઝે લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ નામની આ પહેલ શરૂ કરી છે. આ હેઠળ લાહોરનાં જૂનાં નામોને એમનાં મૂળ હિન્દુ નામો પર રાખવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

લાહોરમાં ઘણાં સ્થળોનાં નામ હિન્દુ હતાં પણ ૧૯૯૦માં ભારતમાં બાબરી મસ્જિદના ઢાંચાને પાડી નાખવામાં આવ્યા બાદ આ સ્થળોનાં નામ મુસ્લિમ રાખવામાં આવ્યાં હતાં. એ સમયે પાકિસ્તાનમાં નવાઝ શરીફ, બેનઝીર ભુત્તો અને પરવેઝ મુશરફની સરકારો હતી.

international news pakistan lahore world news