24 December, 2025 07:57 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભીખ માગવા સંબંધિત ગુનાઓ માટે સાઉદી અરેબિયા, અઝરબૈજાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માંથી હજારો પાકિસ્તાનીઓનો દેશનિકાલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને પ્રોફેશનલ ભિખારીઓ અને અધૂરા ડૉક્યુમેન્ટ્સ ધરાવતા પાકિસ્તાની લોકોને વિદેશયાત્રાએ જતાં રોકી દીધા હતા. ગલ્ફ દેશોમાંથી પાકિસ્તાન પર આ મુદ્દે વધારે દબાણ આવી રહ્યું છે.
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ ચેતવણી આપી છે કે પ્રોફેશનલ ભિખારીઓ અને અધૂરા ડૉક્યુમેન્ટ્સ ધરાવતા લોકોને વિદેશયાત્રા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ગેરકાયદેસર ભીખ માગવા, વીઝા-ઉલ્લંઘન અને દસ્તાવેજોની છેતરપિંડીને કારણે પાકિસ્તાનીઓનો દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે, તેમને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે તેથી વિદેશમાં પાકિસ્તાનની ઇમેજ ખરડાઈ રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઘણા દેશો અને ખાસ કરીને ગલ્ફ દેશોમાં પાકિસ્તાની નાગરિકો ભીખ માગનારી પ્રોફેશનલ ગૅન્ગનો એક ભાગ હોવાનું જાણવા મળ્યા બાદ આ દેશોએ પાકિસ્તાની નાગરિકો સામે વાંધો ઉઠાવ્યો છે. આનાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ઇમેજને નુકસાન થયું છે અને તેથી વિદેશના ઍરપોર્ટ પર પાકિસ્તાની પ્રવાસીઓની કડક તપાસ કરવામાં આવી છે.