10 July, 2025 06:56 AM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાની અભિનેત્રી અને મોડેલ હુમૈરા અસગર
પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગને આઘાત પહોંચાડનારી એક દુ:ખદ ઘટના બની છે. પાકિસ્તાની અભિનેત્રી અને મોડેલ હુમૈરા અસગર અલી મંગળવારે કરાચીના ડિફેન્સ વિસ્તારમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ અહેવાલો અનુસાર, હુમૈરા મૃતદેહ તેના મૃત્યુના લગભગ ત્રણ અઠવાડિયા પછી મળી આવ્યો હતો, જે અભિનેત્રીના એકલતા અને અજાણ્યા અંતિમ દિવસોનો ભેદ ખોલશે.
હુમૈરા અસગર, જે છેલ્લા કેટલાક વર્ષોથી એકલી રહેતી હતી, મૂળ લાહોરની હતી અને 2015 થી એન્ટરટેનમેન્ટ જગતનો ભાગ હતી. હુમૈરાના એપાર્ટમેન્ટમાંથી આવતી દુર્ગંધને લીધે લોકોએ તેની તપાસ કરી હતી અને તેને ઘણા સમયથી કોઈએ જોઈ ન હોવાનું સમજાતા તેના પડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મંગળવારે સવારે લગભગ 3:00 વાગ્યે પોલીસને ફોન કરવામાં આવ્યો, જેના કારણે અધિકારીઓએ મુખ્ય દરવાજો તોડી નાખ્યો - પરંતુ તેનો મૃતદેહ ફ્લોર પર પડેલો મળી આવ્યો.
તેના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર મોકલવામાં આવ્યા. પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદે ડોનને પુષ્ટિ આપી કે તેનો મૃતદેહ ખૂબ જ વિઘટિત સ્થિતિમાં હતો, જેના કારણે તાત્કાલિક મૃત્યુનું કારણ નક્કી કરવું મુશ્કેલ બન્યું. અધિકારીઓ હવે ચોક્કસ કારણ શોધવા માટે રાસાયણિક વિશ્લેષણ અહેવાલોની રાહ જોઈ રહી છે. હાલમાં, કોઈ ગેરરીતિની શંકા નથી, અને પ્રારંભિક તારણો સૂચવે છે કે મૃત્યુ કુદરતી હોઈ શકે છે.
એસએસપી-સાઉથ મહઝૂર અલીએ જણાવ્યું હતું કે હુમૈરાને 2024 થી ભાડું ન ચૂકવવાને કારણે કોર્ટ દ્વારા ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું, "અમે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ડૉકટરોના અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ."
હુમૈરા અસગર અલી કોણ હતી?
32 વર્ષની હુમૈરા અસગર અલીએ 2015 માં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે જસ્ટ મૅરિડ, એહસાન ફરામોશ, ગુરુ અને ચલ દિલ મેરે જેવા જાણીતા પાકિસ્તાની ટેલિવિઝન સિરિયલો અને નાટકોમાં અભિનય કર્યો હતો. મોટા પડદા પર, તે ક્રાઈમ થ્રિલર જલાઈબી (2015) અને બાદમાં રોમેન્ટિક કોમેડી લવ વૅક્સિન (2021) માં દેખાઈ હતી.
2022 માં, તેણે ARY ડિજિટલ પર પ્રસારિત લોકપ્રિય રિયાલિટી શો ‘તમાશા ઘર માં’ ભાગ લીધા પછી વ્યાપક ઓળખ મેળવી. તેના અભિનય અને વ્યક્તિત્વને પ્રેક્ષકોમાં પડઘો પડ્યો, જેના કારણે તે સમાચારમાં આવવા લાગી. પછીના વર્ષે, તેને નૅશનલ વુમન લીડરશીપ ઍવોર્ડ્સમાં બેસ્ટ ઈમર્જિંગ ટેલેન્ટ અને રાઇઝિંગ સ્ટાર ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. હુમૈરાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, સોશિયલ મીડિયા પર તેની છેલ્લી પ્રવૃત્તિ લગભગ 40 અઠવાડિયા પહેલા હતી.