05 March, 2026 09:03 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે એમ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ખોટી માહિતી આપવામાં આવી રહી છે જેમાં AI-જનરેટેડ વૉર વિડિયોનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xએ ખુલાસો કર્યો છે કે એણે તાજેતરમાં પાકિસ્તાનથી કાર્યરત એક નેટવર્કને તોડી પાડ્યું છે જે બનાવટી સંઘર્ષ ફુટેજ પોસ્ટ કરી રહ્યું હતું.
આ મુદ્દે Xનાં પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મે પાકિસ્તાનમાં એક યુઝરને ઓળખી કાઢ્યો છે જે AI-જનરેટેડ યુદ્ધ વિડિયો ફેલાવતાં અકાઉન્ટ્સનું સંકલિત નેટવર્ક ચલાવી રહ્યો હતો. મંગળવારે રાત્રે અમને પાકિસ્તાનમાં એક વ્યક્તિ મળી જે AI યુદ્ધ વિડિયો પોસ્ટ કરતાં ૩૧ અકાઉન્ટ્સનું સંચાલન કરી રહી હતી. બધાં અકાઉન્ટ હૅક કરવામાં આવ્યાં હતાં અને ૨૭ ફેબ્રુઆરીએ યુઝર નેમ ‘ઈરાન વૉર મૉનિટર’ અથવા કોઈ ડેરિવેટિવમાં બદલી નાખવામાં આવ્યાં હતાં. ખોટી માહિતી ઝુંબેશને શોધવા અને એને કાબૂમાં લેવાના પ્લૅટફૉર્મના વધતા પ્રયાસના ભાગરૂપે અકાઉન્ટ્સ ઝડપથી દૂર કરવામાં આવ્યાં હતાં.’
તેમનો જવાબ X પોસ્ટ પર આવ્યો હતો જેમાં ઇઝરાયલના તેલ અવિવમાં એક જહાજને અથડાતા ઈરાની રૉકેટનો ડીપફેક પોસ્ટ કરવામાં આવ્યો હતો. બાયોમાં વિડિયો પોસ્ટ કરનાર વ્યક્તિ અહમદ હમદાન ગાઝાનો પત્રકાર હોવાનો દાવો કરે છે.
મિડલ ઈસ્ટ વૉર વચ્ચે કેટલાક યુઝર્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી યુદ્ધના વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરતા હોવાથી Xએ ચેતવણી આપી છે કે જે યુઝર્સ AI દ્વારા જનરેટ થયેલા વિડિયો AI ડિસક્લોઝર વિના પોસ્ટ કરશે તેમને ક્રીએટર રેવન્યુ શૅરિંગમાંથી ૯૦ દિવસનો સસ્પેન્શનનો સામનો કરવો પડશે. વળી આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરવાથી કાયમી પ્રતિબંધ લાગી શકે છે. લોકો સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચવી જરૂરી છે.